તણાવભરી પરિસ્થિતિ વખતે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામને બ્લોક કરવા વિચારે છે DoT

નવી દિલ્હી – કેન્દ્રીય ટેલિકોમ વિભાગ (DoT)એ સંવેદનશીલ કે તાણભરી પરિસ્થિતિ વખતે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવી મોબાઈલ એપ્સને બ્લોક કરવી કે નહીં તે અંગે ઉદ્યોગ તરફથી અભિપ્રાયો મગાવ્યા છે.

ટેલિકોમ વિભાગે ગઈ 18 જુલાઈએ તમામ ટેલિકોમ ઓપરેટર્સ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તથા અન્ય સંબંધિત લોકોને પત્ર લખીને જણાવ્યું હતું કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 69A હેઠળ ઉક્ત મોબાઈલ એપ્લિકેશન્સને બ્લોક કરવા અંગે તમારા મંતવ્યો જણાવો.

રાષ્ટ્રીય સલામતી તથા જાહેર કાયદો અને વ્યવસ્થા જોખમ હેઠળ આવી ગઈ હોય એવી પરિસ્થિતિ વખતે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટેલીગ્રામ વગેરે જેવી મોબાઈલ એપ્સને બ્લોક કરવા માટે કયાં ટેકનિકલ પગલાં લેવા જોઈએ એ વિશે ટેલીકોમ વિભાગે ઉક્ત તમામ એજન્સીઓ પાસેથી મંતવ્યો મગાવ્યા છે.

એક અધિકારીએ કહ્યું છે કે ટેલીકોમ વિભાગે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ પગલાં લેવા માટે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ વગેરે જેવી ચોક્કસ મોબાઈલ એપ્સને બ્લોક કરવી જોઈએ એવો ઈલેક્ટ્રોનિક્સ બાબતોના લગતા મંત્રાલય તથા પોલીસ તંત્રોએ મુદ્દો ઉઠાવ્યો છે.

જાહેર જનતાને કોઈ પણ કમ્પ્યુટર મારફત કોઈ પણ પ્રકારની માહિતી મેળવતી રોકવા માટે આદેશો બહાર પાડવાની IT કાયદાની કલમ 69Aમાં સત્તાના ઉપયોગની જોગવાઈ છે.

ઉક્ત કાયદો ભારતના સાર્વભૌમત્વ, ભારતની અખંડતા, ભારતના સંરક્ષણ, ભારતની સલામતી, વિદેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને હાનિ પહોંચાડે અથવા જાહેર કાયદો અને વ્યવ્સ્થાને ખોરવી નાખે એવી ઈન્ટરનેટ પરની માહિતીને બ્લોક કરવા માટે જરૂરી આદેશ બહાર પાડવાની કેન્દ્ર સરકારને કે સત્તાધિશ કોઈ પણ અધિકારીને સત્તા આપે છે.

હાલમાં જ સોશિયલ મિડિયા એપ્લિકેશન્સ મારફત ફેલાયેલી અફવાઓના આધારે દેશમાં મોબ લિન્ચિંગ (ટોળા દ્વારા હત્યાઓ)ની વ્યાપક ઘટનાઓ બની હતી. એ ઘટનાઓને કારણે વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન વિવાદમાં આવી ગઈ છે. એવું માલૂમ પડ્યું હતું કે ટોળાને હિંસા કરવા માટે ઉશ્કેરી શકાય એવા નકલી સમાચારોનો ફેલાવો કરવા માટે વોટ્સએપનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]