શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં ભારતીય સરહદી વિસ્તાર તંગધારમાં આજે સવારે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે ફરીવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સ્નાઈપર એટેક કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન આ વિસ્તારમાં સતત ફાયરિંગ કરી રહ્યું છે.કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા પાંચ રાઉન્ડ સ્નાઈપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જ પોસ્ટ ઉપર ગત 13 ઓગસ્ટે પાકિસ્તાની ફાયરિંગમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સરકાર તો નવી બની છે પણ પાકિસ્તાનની ભારત વિરોધી નીતિમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. પાકિસ્તાની સેનાએ સોમવારે પણ બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં મોર્ટાર સહિતના મોટા હથિયારોથી ફાયરિંગ કર્યું હતું.
આ અગાઉ થોડા દિવસ પહેલા જમ્મુ-કશ્મીરના બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન અનેક આતંકીઓએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપતા ચાર આતંકી ઠાર માર્યા હતા. આ ઘટનામાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા.