કેરળમાં પૂરની ભયાનક કુદરતી આફતઃ 9 વર્ષની બાળકી પણ આવી મદદે…

ચેન્નાઈ – કેરળમાં ગઈ 8 ઓગસ્ટથી ભારે વરસાદ અને એને પગલે આવેલા ભયાનક પૂરે હાહાકાર સર્જ્યો છે. 300થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને એમના પૂરગ્રસ્ત ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ફરજ પડી છે. ભોગ બનેલા લોકોની રાહત માટે કેન્દ્ર, તમામ રાજ્યો, સામાજિક અને ખાનગી સંસ્થાઓ, સંગઠનો, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો, ખેલકૂદ હસ્તીઓ તરફથી આર્થિક મદદનો ધોધ છૂટ્યો છે ત્યારે તામિલનાડુની 9 વર્ષની બાળકી અનુપ્રિયા પણ પાછળ રહી નથી અને એણે પોતાની પિગી બેન્કમાં કરેલી બચતની રકમ દાનમાં આપી દીધી છે, જે પૈસા એણે સાઈકલ ખરીદવા માટે ભેગા કર્યા હતા.

કેરળમાં આવેલું મહાવિનાશક પૂર, અને એને લીધે થયેલી ભયાનક જાનમાલની તારાજીને લીધે સમગ્ર દેશના લોકો વ્યથિત છે. આ કુદરતી આફતના સમયે 9 વર્ષની અનુપ્રિયા, જે તામિલનાડુના વિલ્લુપુરમ ગામની વતની છે, એણેે મોટેરાં પણ ન કરી શકે એવી ઉદારતા દાખવી છે.

9 વર્ષની ઉંમર એટલે બાળકોની ખેલકૂદમાં રચ્યા રહેવાની ઉંમર. પરંતુ આ ઉંમરે એક પરિપક્વ સમજણ બહુ જવલ્લે જોવા મળે છે. અનુપ્રિયા પોતાનો સાઈકલ માટેનો શોખ પૂરો કરવા માટે છેલ્લાં 4 વર્ષથી પોતાની પિગી બેન્કમાં માતા-પિતા કે અન્ય વડીલો તરફથી મળતાં પૈસાની બચત કરી રહી હતી. પણ જેવી એને જાણ થઈ કે કેરળમાં પૂર આવ્યું છે ત્યારે એણે પોતાની પિગી બેન્કમાં બચત કરેલા રૂ. 9,000ની રકમ કેરળ રાહત ફંડમાં દાનમાં આપી દીધી.

આ નાની બાળકીના આ પ્રયાસને લોકોએ તો બિરદાવ્યો. પણ આ વાતની જાણ ‘હિરો સાઈકલ્સ’ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પંકજ મુંજાલને થઈ ત્યારે તેમણે પણ અનુપ્રિયાને ઉદ્દેશીને એક ટ્વીટ કર્યું છે. એમણે લખ્યું છે કે, ’અનુપ્રિયા, તમને પ્રણામ. તમે એક ઉમદા વ્યક્તિ છો. અને તમારી આસપાસ તમારા જેવા ઉમદા વિચારો ફેલાવો એવી આશા રાખીએ છીએ. હિરો સાઈકલ પણ તમારા ઉદાર પગલાંથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન છે અને આ સાથે અમે તમને તમારા જીવનના દર વર્ષે એક નવી હિરો સાઈકલ ઉપહાર તરીકે આપવાનું જાહેર કરીએ છીએ. કૃપયા તમારાં કોન્ટેક્ટની વિગતો અમને જણાવો. આ સાથે તમને ઘણી ઘણી શુભેચ્છાઓ તેમજ કેરળને ઉગારવા માટે ઈશ્વરને પ્રાર્થના!’

httpss://twitter.com/Hero_Cycles/status/1031103914274369538

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]