જયપુર- ફિલ્મ પદ્માવતીનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આ વિરોધમાં નવો વળાંક જોવા મળ્યો છે. રાજસ્થાનના જયપુર પાસે નાહરગઢ કિલ્લા પર એક યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી. જેમાં લખ્યું હતું, આ વ્યક્તિ સ્ક્રીનિંગના વિરોધમાં પદ્માવતીનું પૂતળું સળગાવવાનો વિરોધ કરતો હતો. સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, તે ફિલ્મ પદ્માવતીને લઈને આત્મહત્યા કરી રહ્યો છે. મૃતક યુવકના શરીર પર લખ્યું હતું ‘પદ્માવતીનો વિરોધ’.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઉતારી લીધો છે. મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ ચેતન છે, અને તે જયપુરનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, મૃતદેહ પાસેથી એક આધારકાર્ડ મળ્યી આવ્યું છે જેના પર ચેતન નામ લખેલું છે. પોલીસે આધારકાર્ડમાં લખેલા સરનામાના આધારે મૃતકના પરિજનોનો સંપર્ક કર્યો છે.
જોકે હજી સુધી એ નક્કી નથી થઈ શક્યું કે, ચેતને આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ બાદ જયપુર પોલીસે કહ્યું કે, યુવકની હત્યા કરીને તેની લાશ લટકાવી દેવામાં આવી હોઈ શકે છે. પોલીસનું અનુમાન છે કે, પહેલા યુવકનું ગળું દબાવીને હત્યા કરાઈ અને બાદમાં તેના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો.
જયપુર પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુ અંગે ચોક્કસ કારણ અંગે માહિતી મળશે. આ પહેલા કિલ્લા ઉપરથી મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યા હોઈ શકે છે અને હત્યા પરથી ધ્યાન હટાવવા માટે પદ્માવતીનું બહાનું આગળ ધરી ફિલ્મ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.