ઉત્તર પ્રદેશમાં ઓવૈસીની કાર પર ગોળીબાર કરાયો

લખનઉઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીન (AIMIM) પાર્ટીના વડા અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેઓ વિધાનસભા ચૂંટણીવાળા ઉત્તર પ્રદેશ રાજ્યના હાપુડ જિલ્લામાંથી આજે સાંજે દિલ્હી પાછા ફરતા હતા ત્યારે એમની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. સાંજે આશરે 6 વાગ્યાના સુમારે એમની કાર નેશનલ હાઈવે-24 પર હાપુડ-ગાઝિયાબાદ પટ્ટા પરના ટોલ પ્લાઝા નજીક હતી ત્યારે એની પર ગોળીબાર કરાયો હતો એવો ઓવૈસીનો આરોપ છે.

ઓવૈસીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે મારી કાર પર ચાર ગોળી છોડવામાં આવી હતી. હુમલો કરનાર 3-4 જણ હતા. એ બધા જ એમના હથિયાર ત્યાં પડતા મૂકીને ભાગી ગયા હતા. મારી કારનું પંક્ચર થયું હતું, પરંતુ હું બીજી કારમાં બેસીને રવાના થયો હતો. અમે સૌ સુરક્ષિત છીએ.

પોલીસે આ બનાવના સંબંધમાં એક જણને અટકમાં લીધો હોવાનો અહેવાલ છે.