નવી દિલ્હીઃ 100થી વધારે ભૂતપૂર્વ સરકારી અમલદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવી આશા વ્યક્ત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યોની સરકારો દ્વારા કથિતપણે કરવામાં આવતા ‘દ્વેષપૂર્ણ વ્યવહાર’, જેને તેમણે ‘નફરતના રાજકારણ’ તરીકે ઓળખાવ્યો છે, તેનો અંત લાવવાની તેઓ એમની સરકારોને સૂચના આપશે. આ ભૂતપૂર્વ સરકારી અમલદારોએ વડા પ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. એમાં 108 જણે સહી કરી છે. આ અમલદારોમાં દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટેનન્ટ ગવર્નર નજીબ જંગ, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, ભૂતપૂર્વ વિદેશ સચિવ સુજાતા સિંહ, ભૂતપૂર્વ ગૃહ સચિવ જી.કે. પિલ્લાઈ, ભૂતપૂર્વ વડા પ્રધાનના મનમોહનસિંહના મુખ્ય સચિવ ટી.કે.એ. નાયરનો સમાવેશ થાય છે.
એમણે લખ્યું છે કે, ‘દેશમાં નફરતથી ભરેલા વિનાશનો ઉન્માદ અમે નિહાળી રહ્યાં છીએ. જ્યાં બલિદાનની વેદી પર માત્ર મુસ્લિમો તથા અન્ય લઘુમતી કોમોનાં સભ્યોને જ નહીં, પરંતુ દેશના બંધારણને પણ ચડાવવામાં આવ્યું છે. છેલ્લા અમુક વર્ષોમાં અને મહિનાઓમાં જ્યાં ભાજપનું શાસન છે તેવા અનેક રાજ્યો, જેમ કે આસામ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લઘુમતી સમુદાયો સામે, ખાસ કરીને મુસ્લિમો સામે નફરતપૂર્ણ હિંસામાં વધારો થયો છે. એને કારણે એક ભયાનક નવા પરિમાણનું સર્જન થયું છે. આ પ્રચંડ સામાજિક ખતરા સામે તમારું મૌન કાન ફાડી નાખનારું છે. અમે આપના અંતરાત્માને, તમે જ આપેલા વચન – ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’માંથી પ્રેરણા લેવાની આપને અપીલ કરીએ છીએ. અમને આશા છે કે આઝાદી કા અમૃત મહોત્સવના આ વર્ષમાં તમે તમારા પક્ષના શાસનવાળા રાજ્યોમાં નફરતના રાજકારણનો અંત લાવવાની સૂચના આપશો.’