હવામાન વિભાગનું ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંય રાજ્યોમાં પૂરથી સ્થિતિ બદતર થઈ છે, ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં મધ્ય પ્રદેશ પર સ્થિત સર્જાયેલા ચક્રવાતને કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત એનાથી જોડાયેલાં રાજ્યો અને ઉત્તરાખંડમાં સતત વરસાદ વરસવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી ચમકવાની સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

મોન્સુન ટ્રફ પશ્ચિમી વિસ્તારની જગ્યાની નજીક છે, પણ પૂર્વ બાજુ સામાન્યથી વધુ દક્ષિણમાં સ્થિત છે.  પૂર્વોત્તર ભારતમાં આગામી સપ્તાહે ભારે વરસાદ થશે, જ્યારે આગામી પાંચ દિવસ હિમાલના પહાડી વિસ્તારો, પશ્ચિં બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 200 મિમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી રાજસ્થાન અને ગુજરાતમાં આગામી સપ્તાહમાં ભારે વરસાદ પછી ચોમાસું જરા ધીમું પડશે. આ સાથે પંજાબ અને હરિયાણામાં સોમવાર સુધી મહત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસથી આઠ સેલ્સિયસ સુધી ઓછું રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસો સુધી હિમાલયના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી વધુ રહેશે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, મિઝોરમ,  મણિપુર, ત્રિપુરા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને આંદામાન-નિકોબાર દ્વીપમાં છૂટોછવાયો વરસાદ કે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.