નવી દિલ્હીઃ હરિયાણામાં સરકારી સ્કૂલોની હાલત ખસ્તા છે. રાજ્યની કમસે કમ 19 સરકારી સ્કૂલોમાં એક પણ બાળકે એડમિશન નથી લીધું. રાજ્યની 3148 સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50થી ઓછી છે. રાજ્યમાં 14,562 સરકારી સ્કૂલોમાંથી 811 સ્કૂલોમાં માત્ર એક-એક શિક્ષક છે.
સરકારી સ્કૂલોમાં એક મોટી સમસ્યા શિક્ષક-વિદ્યાર્થી રેશિયોનો માનવામાં આવે છે. હરિયાણાની સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્યની સ્કૂલોમાં TGTના 16,537 પદો અને PGTનાં 11,341 પદો સહિત સરકારી સ્કૂલોમાં 28,000 શિક્ષકોનાં પદો ખાલી છે. હરિયાણાની સરકારી સ્કૂલોમાં 23.10 લાખ વિદ્યાર્થીઓનું એડમિશન છે. અધિકારીઓનો અંદાજ છે કે રાજ્યની આશરે 7000 ખાનગી સ્કૂલો છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી સ્કૂલોની બરાબર છે.
રાજ્યની કુલ પ્રાથમિક સ્કૂલોમાંથી 35.43 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થી-ટીચર રેશિયો ખરાબ છે. રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ, 2009 કહે છે કે પ્રાઇમરી સ્તરે દરેક 30 બાળકોએ એક શિક્ષક હોવો જોઈએ એટલે કે શિક્ષક-વિદ્યાર્થી રેશિયો 30:1 હોવો જોઈએ.
હરિયાણા સરકારે 2024-25ના બજેટમાં સરકારે શિક્ષણ, રમત, કલા અને સંસ્કૃતિ પર સરકારે 15 ટકા વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારે બજેટમાં 2023-24માં સંશોધિત ખર્ચ રૂ. 18,776.29 કરોડથી વધારીને 21,765.63 કરોડ કર્યું હતું. સરકારે બજેટનું નવ ટકા ક્વોલિટી શિક્ષણ પર ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
હરિયાણાની શાળાઓમાં ‘ગુડ મોર્નિંગ’ને બદલે ‘જય હિન્દ’ બોલવું ફરજિયાત બનશે. 15 ઓગસ્ટથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના વધારવાના ઉદ્દેશ સાથે હરિયાણા સરકારના શિક્ષણ વિભાગે આ સૂચના બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદ્યાર્થીઓ શાળામાં ગુડ મોર્નિંગ ને બદલે જય હિન્દનો ઉપયોગ કરશે.