નવી દિલ્હીઃ બંગલાદેશમાં તખતાપલટ પછી હિંસાનો દોર જારી છે. બંગલાદેશી લોકો મંદિર અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે.આ હિંસા જારી રહેવાથી ભારતના ડુંગળીના વેપારીઓની ચિંતા વધારી દીધી છે, કેમ કે ભારત-બંગલાદેશની સરહદે નાશિકથી ગયેલી ડુંગળીની ટ્રકો ફસાઈ ગઈ છે.
બંગલાદેશમાં હિંસાને લીધે સ્થાનિક ડુંગળીના સપ્લાય પર પ્રતિકૂળ અસર પડી હતી. જેને કારણે દેશમાં બજારમાં ડુંગળીની કિંમતો સતત વધી રહી છે. જેને પગલે આમ આદમીની આંસુ આવી ગયા છે. હવે બંગલાદેશમાં વધતી હિંસા અને તણાવને કારણે સરહદ ખોલવમાં પાંચથી છ દિવસ લાગવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 70થી 80 ટ્રક બંગલાદેશની સરહદે ફસાયેલી છે. બંગલાદેશમાં 80,000 ટન ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલાં જ મંજૂરી આપી હતી. આ હિંસાને પગલે બંગલાદેશની સરહદ ખૂલવામાં હજી કેટલા દિવસો લાગશે, એ કંઈ નક્કી નથી. જો આવું થયું તો ડુંગળીના વેપારીઓએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે.ડુંગળીના ઉત્પાદકોની સમસ્યા પર સ્વાભિમાની શેતકરી સંઘટનાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પરિવહન સુચારુ કરવા માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. એ સાથે કેન્દ્ર સરકારને બંગલાદેશની સરકારથી સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંગલાદેશની હાલની સ્થિતિની પ્રતિકૂળ અસર ડુંગળીના ઉત્પાદક ખેડૂતો પર પડી રહી છે.