કોલકાતાઃ દેશમાં સોનાના એક જ ભાવ રહે એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં મોટા ભાગે સોનાની આયાત કરવામાં આવે છે. દેશભરમાં એની આયાતની કિંમતો આશરે એકસમાન હોય છે, પણ દેશના વિવિધ હિસ્સામાં જ્વેલરી એસોસિયેશન્સ એની અલગ-અલગ કિંમતો નક્કી કરે છે. જેથી એની કિંમતોમાં અસમાનતા પ્રવર્તે છે. દાખલા તરીકે ગુરુવારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનાં આભૂષણોની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂ. 49,100 હતી, જ્યારે કેરળમાં એની કિંમત રૂ. 46,850, મુંબઈમાં 49,680 અને ચેન્નઈમાં રૂ. 47,380 હતી. ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે કેટલાય જ્વેલર્સ ટેક્સ નથી ચૂકવતા, જેનાથી તેઓ ઓછી કિંમતે ઘરેણાંનું વેચાણ કરે છે.
સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ
ઘરેણાં વેચતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સે દેશમાં એના બધા સ્ટોરમાં સોનાના એકસમાન ભાવની શરૂઆત કરી છે. અને ગોલ્ડ જ્વેલરી કંપનીઓએ પણ આ રસ્તે ચાલવાની યોજના બનાવી છે. માલાબાર ગોલ્ડ ડાયમન્ડ્સના ચેરમેન અહમદ એમપીએ કહ્યું હતું કે વન ઇન્ડિયા, વન ગોલ્ડ રેટની પોલિસી લાગુ કરવા માટે સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ. સોનાની એકસમાન કિંમતોથી ગ્રાહકોને પણ લાભ થશે. GST લાગુ થયા પછી દેશમાં જ્વેલરી ટેક્સનો એક દર છે. દેશમાં માત્ર એક કરન્સી છે, એટલે અન્ય દેશોની જેમ અહીં કોઈ મુશ્કેલી નહીં સર્જાય, એમ તેમણે કહ્યું હતું.
ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યોમાં સોનાના ભાવમાં મોટું અંતર
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માત્ર એક કિંમત છે. એટલે દેશમાં એકસમાન કિંમતો રાખવામાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય. દેશનાં ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યોમાં સોનાના ભાવમાં મોટું અંતર હોય છે. દક્ષિણ ભારતમાં કેટલાંય વર્ષોથી સોનાની કિંમતો ઉચિત રહી છે અને બાયબેક સિસ્ટમ પણ રહી છે. અહીં જ્વેલર્સ વધુ માર્જિન નથી વસૂલતા, એમ તેમણે કહ્યું હતું.
ઉત્તર ભારતમાં જ્વલર્સ વધુ માર્જિન
ઉત્તર ભારતમાં જ્વલર્સ વધુ માર્જિન વસૂલે છે, જેથી કિંમતો ઘણી વધી જાય છે. જ્વેલર્સે બાયબેક રેટ ડિસ્પ્લે કરવા જોઈએ, કેમ કે રિસાઇક્લિંગથી સોનાની શુદ્ધતા પર કોઈ અસર નહીં પડે. તમે બાયબેક પર બે ટકા અથવા એની આસપાસ માર્જિન લઈ શકો છો, એમ તેમણે કહ્યું હતું.
