કોરોનાના કેસોની સંખ્યા 81 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 81 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,248 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 551 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 81,37,119 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,21,641 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 74,32,829 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,454 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,82,649એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.34 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

કોરોનાની બીજી લહેર જોખમી હોઈ શકે

એઇમ્સ દ્વારા કોરોના વાઇરસની બીજી લહેરને લઈને એક વાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની ચર્ચા પણ થઇ રહી છે. તેમનું માનવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરુપયોગ ખતરનાક બની શકે છે.

ડૉ. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાંને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.