કેવડિયાથી અમદાવાદ વચ્ચે ‘સી’ પ્લેનનો મોદીએ પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડા પ્રધાને નર્મદાના કેવડિયા કોલોનીમાં સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી એક કલાકે ‘સી’ પ્લેનનું ઉદઘાટન કરીને અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ માત્ર 40 મિનિટમાં કેવડિયાથી અમદાવાદ સાબરમતી પહોંચ્યા હતા. રાજ્યપાલ દેવવ્રત, મુખ્ય પ્રધાન રૂપાણી અને ગૃહપ્રધાન દ્વારા વડા પ્રધાનનું સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલની 145 જન્મજયંતી

દેશભરમાં સરદાર પટેલની 145મી જન્મજયંતી નિમિત્તે એકતા દિવસે ઊજવાઈ રહ્યો છે ત્યારે સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. હેલિકોપ્ટરથી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

‘સી’ પ્લેનનો કેવડિયાથી પ્રારંભ

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી ‘સી’ દેશના પ્રથમ સી પ્લેનમાં બેસીને સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા, જેનો પ્રારંભ પીએમ મોદીએ કેવડિયાથી કરાવ્યો છે. તેમણે કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું છે. એ પછી તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા ‘સી’ પ્લેનનો પ્રારંભ કરાવ્યો છે. ‘સી’ પ્લેનમાં પ્રવેશતાં પહેલાં ક્રૂ મેમ્બર દ્વારા તેમની સુરક્ષાની તમામ માહિતી આપવામાં આવી હતી. સ્કૂબા ડાઇવર અને ફાયર બિગ્રેડનો સ્ટાફ એરોડ્રોમની આસપાસ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી સાથે કેટલાક અધિકારીઓ ‘સી’ પ્લેનમાં બેસીને અમદાવાદ આવવા રવાના થયા હતા.

‘સી’ પ્લેન વિશેની વિગતવાર માહિતી

  • ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂઝિવ વન-વે ફેર રૂ. 1500/-થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે.  
  • અમદાવાદથી કેવડિયાની દિવસની ચાર ટ્રિપ રહેશે.
  • એક ‘સી’ પ્લેનમાં 14 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ રહેશે.
  • 220 કિલોમીટરની મુસાફરી માત્ર 50 મિનિટમાં પૂરી કરી શકાશે.
  • સાંજે 6 વાગ્યા પછી ‘સી’ પ્લેન ઉડાન નહિ ભરે.