73મા પ્રજાસત્તાકદિને PM મોદી, શાહે દેશવાસીઓને શુભકામનાઓ આપી

નવી દિલ્હીઃ દેશ 73મો પ્રજાસત્તાક દિવસ ઊજવી રહ્યો છે, જે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓએ બુધવારે પ્રજાસત્તાક દિવસે લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. આજના દિવસે દેશનું બંધારણ લાગુ થયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમને કોરોનાને કારણે 90 મિનિટ સુધી સીમિત કરવામાં આવ્યો હતો. રાજપથ પર થનારી પરેડના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. પરેડ 10.30 કલાકથી 12 કલાક સુધી ચાલશે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તમને બધાને પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ, જયહિંદ. ‘ આ પ્રસંગે પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને સલામી આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે બધાને 73મા પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ. ભારતીય ગણતંત્રના ગૌરવ, એકતા અને અખંડિતતાને અક્ષુણ બનાવી રાખવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે બધા જવાનોને નમન કરું છું. આવો આપણે બધા સ્વાધીનતાનાં લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવા માટે સંકલ્પ લઈએ. જયહિંદ.

ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે. આ સાથે જ એનો વિડિયો પણ શેર કર્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે  ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોના હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યા છે.