ઓમિક્રોન વેરિઅન્ટ ‘ચેતવણી-સમાન’: સૌમ્યા સ્વામીનાથન (WHOનાં ચીફ-સાયન્ટિસ્ટ)

નવી દિલ્હીઃ બે વર્ષથી વૈશ્વિક સ્તરે ફેલાયેલી કોરોનાવાઈરસ ચેપી બીમારીનો નવો વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ ઓછામાં ઓછા પાંચ દેશોમાં ફેલાયો છે અને તેને કારણે ભારત સહિત દુનિયાભરમાં ચિંતા અને દહેશતનું વાતાવરણ ફરી વળ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં વડાં વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે આ વેરિઅન્ટ ભારતમાં કોવિડનો ફેલાવો રોકવા માટે ઉચિત સંભાળ લેવા માટે ‘આંખો ઉઘાડનારો’ છે. લોકો અત્યંત સાવચેત રહે અને માસ્ક પહેરવાનું ચાલુ રાખે એ ખૂબ જ મહત્ત્વનું છે. ડો. સ્વામીનાથનનાં મતે માસ્ક ‘પોકેટ વેક્સિન’ જેવા છે જે રોગચાળાને દૂર રાખવામાં ખૂબ જ અસરકારક છે, ખાસ કરીને આંતરિક જગ્યાઓમાં. આ વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ઝડપથી માનવીઓમાં ફેલાય છે. આ સ્ટ્રેન વિશે આવનારા દિવસોમાં વધારે જાણકારી પ્રાપ્ત થશે.

ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. હવે તે યૂરોપના વધારે દેશોમાં ફેલાયો છે. બ્રિટનમાં નવા બે કેસ નોંધાતાં સરકારે માસ્ક પહેરવાનું અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓનું ટેસ્ટિંગ કડક બનાવવાનો આદેશ આપ્યો છે. કોરોનાવાઈરસ રોગચાળો અત્યાર સુધીમાં વિશ્વભરમાં 50 લાખથી વધારે લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.