કોરોના સંક્રમિતોની સંખ્યા 22 લાખને પારઃ દર બે દિવસે એક લાખ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના  સતત ચોથા દિવસે 60,000થી વધુ કેસ સામે આવ્યા છે, જેથી કુલ કેસોની સંખ્યા 22 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,064 નવા કેસ સામે આવ્યા છે અને 1007 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 22,15,074 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 44,386 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 15,35,743 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,34,945એ પહોંચી છે. રિકવરી રેટ 67.64 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં બે દિવસે એક લાખ કેસ

દેશમાં કોરોના વાઇરસના પહેલા એક લાખ કેસ આવવામાં 110 દિવસ લાગ્યા હતા, પણ હવે એક લાખ કેસ સામે આવવામાં માત્ર બે દિવસ લાગે છે. 19 મેએ 110 દિવસમાં 1,01,139 કુલ કેસ હતા, જ્યારે 10મી ઓગસ્ટે આંકડો 22 લાખને પાર થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.