રામ મંદિર ભૂમિપૂજનની શુભકામના આપી તો હસીન જહાંને મળી હત્યા-રેપની ધમકી

કોલકાતાઃ ક્રિકેટર મોહમ્મદ શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંને સોશિયલ મિડિયામાં રામ મંદિર નિર્માણનાં અભિનંદન આપવા બદલ જાનથી મારી નાખવાની અને બળાત્કાર કરવાની ધમકીઓ મળી છે, મોડલ અને એક્ટ્રેસ હસીન જહાંએ આ સંબંધમાં વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પાસે મદદ માગી છે.

હસીન જહાં સોશિયલ મિડિયા પર ઘણ સક્રિય છે. આમ પણ તે એની પોસ્ટોને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે તે ઘણી વાર ટ્રોલ પણ થઈ ચૂકી છે. જોકે હાલમાં તે રામ મંદિર ભૂમિ પૂજન મામલે શુભકામનાઓ આપવા બદલ કટ્ટરપંથીઓના ગુસ્સાનો શિકાર થઈ છે.  જેનાથી પરેશાન થઈને હસીન જહાંએ કોલકાતાની લાલ બજાર સ્ટ્રીટના સાઇબર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે.

તેણે લખ્યું છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહપ્રધાન અમિત શાહજી, મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજીથી વિનંતી છે કે વહીવટી તંત્રને આ મામલે ઘટતું કરવા આદેશ આપે. આપણે સર્વધર્મ સમભાવ રાખનારા દેશના નિવાસી છીએ, જ્યાં આવી વાત બહુ દુર્ભાગ્યપૂર્ણ છે અને એનાથી હું બહુ દુખી છું.

તેના જણાવ્યા પ્રમાણે તેણે સોશિયલ મિડિયા એકાઉન્ટથી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પર દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. ત્યાર બાદ તેને કટ્ટરપંથીઓના નિશાને આવી ગઈ છે અને તેને સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ધમકીઓ અપાઈ રહી છે.

હસીન જહાંએ આ વિશે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટે મેં સોશિયલ મિડિયા દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ હિન્દુ-ભાઈઓને આપી હતી. જેને કારણે કેટલાક કટ્ટરપંથી લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને મારા ઉપર નુક્તેચીની કરી હતી. મને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી છે. આની સામે મે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મેં મારી ફરિયાદમાં કહ્યું છે કે આવા કટ્ટરપંથીઓ સામે જલદી કાર્યવાહી કરવામાં આવે. હસીન જહાં પહેલાં પણ પોતાના પતિ મોહમ્મદ શમીને લઈને વિવાદમાં રહી ચૂકી છે.