આ તે કેવા અચ્છે દિન? શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગાર છે….

નવી દિલ્હી: ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતીએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીની ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો NSO (નેશનલ સ્ટેસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન) એ જાહેર કર્યા છે. સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) જાહેર કરતા એનએસઓ એ જણાવ્યું કે, 2018 19ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી લઈને માર્ચ 2019ની વચ્ચે જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં 15થી 29 વર્ષની ઉંમર ધરાવતા અંદાજે 22.5 ટકા યુવા બેરોજગાર છે.

આંકડાઓના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે, શ્રમ બજાર ઘણી હદ સુધી બેરોજગારીના મુદ્દાઓને હલ કરવામાં અસફળ  રહ્યું છે. પીએલએફએસના લેટેસ્ટ આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે, એપ્રીલ જુન 2018 અને જાન્યુઆરી માર્ચ 2019 વચ્ચે દરરોજ વેતન અને મહિને વેતન મેળવતા કર્મચારીઓની આવકમાં સામાન્ય વધારો થયો છે. આ દરમ્યાન કમાણીમાં 48.3 ટકાથી વધીને 50 ટકા વૃદ્ધિ જોવા મળી. મહત્વનું છે કે, આ દરમ્યાન પુરુષોની સરખામણીએ મહિલાઓને સારું વેતન મળ્યું.

જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા ચાર ત્રિમાસિકગાળાઓમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓના વેતનમાં વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ પુરુષ શ્રમિકોના 1.5 ટકાની તુલનામાં 2.1 ટકાની છે. આંકડાઓ પરથી એ પણ જાણવા મળ્યું છે કે, બેરોજગારી મામલે મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં ઘણી વધારે છે.

  એનએસઓ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, 2018 19ના અંતિમ ત્રિમાસિક ગાળા દરમ્યાન મહિલાઓમાં બેરોજગારી દર 29 ટકા હતો. આ પુરુષોની તુલનામાં 8 ટકા વધારે છે. જોકે, મહિલાઓનો આ આંકડો એવા સમયે ઓછો છે, જ્યારે દેશની તમામ શ્રમ શક્તિમાં આની હિસ્સેદારી ઘણી ઓછી છે.