નવી દિલ્હી- આધાર કાર્ટનો ડેટા સુરક્ષિત છે કે નહીં તેને લઈને સતત પ્રશ્ન ઉદભવતા રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે આપના ડેટાને સુરક્ષિત રાખવા વધુ સકારાત્મક ઉપાય કર્યા છે. આ ઉપાય છે વર્ચુઅલ આઈડી. આગામી 1 જુલાઈથી તમારું આધાર કાર્ડ વર્ચુઅલ આઈડીથી જનરેટ કરી શકશો. એટલેકે હવે તમારે તમારો આધાર નંબર કોઈને આપવાની જરુર નહીં પડે. અને કોઈ આપનો આધાર નંબર જાણી નહીં શકે.વર્ચુઅલ આઈડી 16 આંકડાનો એક નંબર હશે, જેને તમે જુદી-જુદી જગ્યાઓ પર આધઆર નંબરના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકશો. યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આગામી 1 જુલાઈથી વર્ચુઅલ આઈડેન્ટિફિકેટ ફરજિયાત કર્યું છે.
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CEO અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, વર્ચુઅલ આઈડીથી આધારનો ઉપયોગ સરળ પણ રહેશે અને સુરક્ષિત પણ હશે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ બેન્કોને વર્ચુઅલ આઈડી સ્વીકારવા માટે 30 જૂન સુધીમાં પોતાની સિસ્ટમમાં જરુરી ફેરફારો કરવા સૂચનાઓ આપી છે. અન્ય સેવાઓ પૂરી પાડતી કંપનીઓ પણ આ નિયત સમયગાળાની અંદર તેમની સિસ્ટમમાં ફેરફાર કરશે અને 1 જુલાઈથી વર્ચુઅલ આઈડી સ્વીકારશે.
વર્ચુઅલ આઈડીને આપ UIDAIની વેબસાઈટ, આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા m-Aadhar App દ્વારા પણ જનરેટ કરી શકો છો. વર્ચુઅલ આઈડી જનરેટ કરવા માટે આપની પાસે આધાર નંબર સાથે રજીસ્ટર્ડ કરેલો મોબાઈલ નંબર હોવો જરુરી છે.