ઉત્તરપ્રદેશ: કબીરની ધરતી પરથી પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર

લખનઉ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં મહાન સંત કબીરની નગરી મગહરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગ જોકે કબીરના 620માં પ્રાગટ્ય દિવસનો હતો. જેમાં નક્કી કરેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાને કબીરની મજાર પર ચાદર ચડાવી અને માથું ટેકવ્યું. પરંતુ જ્યારે પીએમ મોદી જનસંભાને સંબોધન કરવા પહોંચ્યા ત્યારે વિપક્ષો પર પ્રહાર કરવાનું ચુક્યા નહીં.પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને જે મુદ્દે વિપક્ષો સરકારને ઘેરી રહ્યાં હતાં. તે બધા જ મુદ્દાનો વડાપ્રધાને જવાબ આપ્યો. કહી શકાય કે, પીએમ મોદીએ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચારની શરુઆત કબીરની ધરતી પરથી કરી છે.

તીન તલાકના મુદ્દાને લઈને પીએમ મોદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા. મહત્વનું છે કે, મોદી સરકારે તીન તલાકના બિલને લોકસભામાં તો પસાર કરાવી દીધું છે પણ રાજ્યસભામાં સરકાર પાસે બહુમતિ નહીં હોવાથી બિલ પસાર થઈ શક્યું નથી. વડાપ્રધાને કહ્યું કે, ‘મુસ્લિમ મહિલાઓ આ બિલના સમર્થનમાં છે. દેશની તમામ મહિલાઓને સમાન હક મળવો જોઈએ. પરંતુ એવું લાગે છે કે, વિપક્ષને તે ગમતું નથી. તેમને મુસ્લિમ મહિલાઓના અધિકાર કરતાં પોતાની વોટ બેન્ક વધુ પ્રિય છે’.

વડાપ્રધાને કબીરના મંચ પરથી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ઉપર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી ત્યારે અનેક વખત પત્રો લખવા છતાં સમાજવાદી પાર્ટીએ તેના માટે માહિતી અને સહકાર આપ્યો નહતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ થયેલા અખિલેશ યાદવના બંગલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તેના પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કબીરના દોહાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘સેવામાં મન લગાવો, પરંતુ કેટલાક લોકોનું મન માત્ર પોતાના બંગલામાં જ લાગેલું હોય છે’. પીએમ મોદીએ કહ્યું કે, સમાજવાદ અને બહુજનની વાતો કરનારા લોકો દેશની સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરવામાં વ્યસ્ત છે’.