ઝારખંડમાં ભાજપના સૂપડાં સાફ, દોઢ વર્ષમાં છ રાજ્યમાંથી સત્તા ગઈ

નવી દિલ્હી: ભાજપના મુખ્ય હથિયાર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ રહ્યા છે. ભાજપની સામે લડવા પ્રતિસ્પર્ધીઓ એ આ મુદ્દાનો મુકાબલો કરવો ભારે પડે, પરંતુ જે રાજ્યોમાં મુસ્લિમ મતદારો ઓછા છે કે મહત્વના નથી ત્યાં ભાજપ માટે આ બે મુદ્દાઓનો ઉપયોગ શક્ય નથી. આ વાત ઝારખંડ રાજ્યનાં પરિણામો પરથી સ્પષ્ટ થયું છે. ભાજપની મહેનત છતાં અહીં કલમ 370, ટ્રિપલ તલાક, નાગરિકતા સંશોધન બિલ જેવા મુદ્દાઓને બદલે પ્રતિસ્પર્ધી પક્ષો આર્થિક મંદીના મુદ્દાને મહત્વ આપવામાં સફળ થયા, પરિણામે ભાજપે સત્તા ખોઈ છે.

માર્ચ 2018માં 21 રાજ્યોમાં ભાજપ કે તેમની સહયોગી સરકાર સત્તા પર હતી પણ ડિસેમ્બર 2019 આવતા આવતા આ આંકડો માત્ર 15 રાજ્યો સુધી સમેટાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં જ 4 રાજ્યો ભાજપના હાથમાંથી નિકળી ગયા છે અને ઝારખંડ આ યાદીમાં પાંચમું રાજ્ય તરીકે સામેલ થવા જઈ રહ્યું છે.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રચંડ જીત મેળવીને સ્પષ્ટ બહુમત સાથે કેન્દ્રની સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ ભાજપે પાછું ફરીને ન જોયુ અને એક પછી એક રાજ્યોમાં ફતેહ મેળવતી ગઈ. 2014માં ભાજપની આગેવાની વાળી એનડીએની માત્ર 7 રાજ્યોમાં સરકરા હતી. અહીંથી ભાજપના ચરમની શરુઆત થઈ. એ જ વર્ષે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કેસરીયો લહેરાવ્યો. 2017માં રાજકીય દ્રષ્ટીએ સૌથી મોટા રાજ્ય યૂપાં પ્રચંડ જીત મેળવી. 2018 આવતા આવતા તો 21 રાજ્યોમાં ભગવો લહેરાઈ ચૂક્યો હતો. આ રાજ્યોમાં બીજેપી અથવા તેમના ગઠબંધન વાળી સરકાર હતી.

માર્ચ 2018માં જ્યાં 21 રાજ્યોમાં ભાજપની સરકાર હતી, તો વર્ષના અંત સુધીમાં તસવીર ઝડપથી બદલાઈ ગઈ અને 2018ના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાં ભાજપને સત્તામાંથી બહાર બેસવાનો વારો આવ્યો. મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં તો લગભગ બે દાયકાથી પાર્ટીનું એકતરફી શાસન હતું. જોકે, ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 2014 કરતા પણ મોટી જીત હાંસલ કરીને 303 સીટો પર ભગવો લહેરાવ્યો.

કેન્દ્રમાં ફરી એક વખત મોદી લહેર પછી ઓક્ટોબરમાં હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યા. મહારાષ્ટ્રમા ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યો પણ મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ખેંચતાણના અંતે ભાજપના હાથમાંથી બાજી નિકળી ગઈ અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ એનસીપી-કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી અને મુખ્યમંત્રી પદ મેળવ્યું. જોકે, હરિયાણામાં ભાજપ કોઈ રીતે જેજેપી સાથે હાથ મેળવીને સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું. હવે 2019ના અંત સુધીમાં તો ઝારખંડ પણ ભાજપના હાથમાંથી સરકી ગયું.