સુરક્ષિત રેલવે પ્રવાસ માટે લેવાઈ રહી છે ‘ઈસરો’ની મદદ

નવી દિલ્હીઃ રેલવે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને ટ્રેનની સ્થિતિની માહિતી સરળતાથી મળશે. રેલવેએ હવે પોતાનાં એન્જિનમાંના મિકનેઝિમને ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન – ISRO)ના ઉપગ્રહ સાથે જોડી દીધું છે, જેનાથી ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત થનાર માહિતીથી ટ્રેન વિશેની જાણકારી મેળવવાનું, ટ્રેનના આગમન અને પ્રસ્થાનનું કાર્ય સરળ થઈ ગયું છે.

રેલવેપ્રધાન પિયૂષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રેલવેએ ટ્રેનોના સંચાલનમાં સુધારો કરતાં ટ્રેનોનું સેટેલાઇટ ટ્રેકિંગ શરૂ કરી દીધું છે. ડિસેમ્બર, 2021 સુધીમાં સંપૂર્ણ માલસામાન અને પેસેન્જર રેલવેની કામગીરીને ઇસરોની મદદથી ઉપગ્રહના માધ્યમથી ટ્રેક કરવામાં આવશે.

રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે જણાવ્યું હતું કે રેલવેએ ઇસરોની સાથે સહમતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ટ્રેનો પર સેટેલાઇટ દ્વારા દેખરેખ રાખી શકાશે.

દેશભરમાં રેલવેના 350 સેક્શન કન્ટ્રોલ છે, જેમાંથી કપિલ દેવ જેવા અધિકારી બહુ સચોટ રીતે રેલવેને ચલાવવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ કામકાજમાં તેમની મદદ ઈસરોની ‘ગગન’ કરે છે. ગગન વાસ્તવમાં GPS એડેડ GEO ઓગમેન્ટેડ સિસ્ટમ છે. પ્રારંભમાં એને વાયુ ક્ષેત્ર માટે ડેવલપ કરવામાં આવી હતી, પણ હવે એ દર 30 સેકન્ડમાં ટ્રેનની સ્પીડ અને લોકેશનની માહિતી શેર કરે છે.