જો જો, વિદ્યુત જામવાલ સાથે કોઈ મગજમારી કરશો નહીં!

દુનિયાના 10 એવા લોકો ‘જેમની સાથે કોઈએ મગજમારી કરવી નહીં’ એ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં વિધુત એકમાત્ર ભારતીય છે.

પોતાની ફિલ્મોમાં રીયલ સ્ટંટ એક્શન તેમજ સ્ટાઈલ માટે જાણીતા અને અનન્ય લોકચાહના પામેલા બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ જે ‘જેકી ચેન એક્શન મૂવી એવોર્ડ’થી પણ સન્માનિત છે. તેણે વધુ એક સિદ્ધિ મેળવી છે.

‘ધ રિચેસ્ટ’ નામની યુ ટ્યુબ ચેનલે ‘Ten People you Don’t want to Mess with.’ હેઠળ દસ લોકોની સૂચિ તૈયાર કરી છે. (એવાં લોકો જેમની સાથે કોઈ ચેડાં કરવાની હિંમત ના કરી શકે). આ સૂચિમાં બોલિવૂડ એક્ટર અને માર્શલ આર્ટીસ્ટ વિદ્યુત જામવાલને ટોપ-10માં સ્થાન મળ્યું છે. આ સૂચિમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ‘ ધ મેન વર્સીસ વાઇલ્ડ’ ના હોસ્ટ બેયર ગ્રિલ્સ જેવા લોકોનું નામ પણ છે.

સૂચિ બહાર આવ્યા બાદ વિદ્યુતે એક ટ્વિટ કરતાં જણાવ્યું, ‘બેયર ગ્રિલ્સને જોઉં છું અને એમને ફોલો કરું છું, તેમનું અનુકરણ કરું છું. આપના બધાં જ એડવેન્ચર બહુ જ પ્રશંસનીય છે. તમે અસંભવને પણ બહુ જ સહજતાથી કરતા હો છો. ખરાં બ્લુ વોરીયર તમે જ છો. જેની સાથે કોઈ મગજમારી ના કરવી જોઈએ. શુભકામના!’

વિદ્યુત જામવાલ પોતે એક ટ્રેઈન્ડ માર્શલ આર્ટિસ્ટ છે અને વિશ્વમાં ટોચના 10 માર્શલ આર્ટિસ્ટમાં છઠ્ઠો ક્રમ ધરાવે છે! તે પોતાની ફિલ્મોમાં ડુપ્લીકેટનો ઉપયોગ કર્યા વિના જ ખતરનાક સ્ટંટ કરતો રહે છે.

14 મિલિયન સબસ્ક્રાઈબર ધરાવનાર ‘ધ રિચેસ્ટ’ ચેનલે 10 વોરિયર્સનું લિસ્ટ જાહેર કર્યું. લિસ્ટ જોતાં ધ્યાનમાં આવે છે કે, તેમણે MMA એક્સપર્ટ, કદાવર બોડી બિલ્ડર અને મજબૂત યોદ્ધા કે જેમની સાથે કોઈ ચેડાં કરવાની હિંમત ના કરી શકે! તેમના નામ ઉમેર્યા છે.

યુટ્યૂબ ચેનલે આ સૂચિ જાહેર કરતી વખતે જણાવ્યું, ‘અમે આપની સમક્ષ એવા લોકો લાવી રહ્યાં છીએ, જેઓ વૃક્ષના થડ જેવાં મજબૂત બાઈશેપ ધરાવે છે, જેઓ લડવૈયા છે, જે કોઈને પણ સહેલાઈથી માત આપી શકે છે! અને હાં, એવાં પ્રમુખ પણ છે, જેઓ તાઈ ક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે.’

૩૯ વર્ષીય વિદ્યુત જામવાલ પોતાનું સ્થાન યાદીમાં મળવા બદલ પોતાની માર્શલ આર્ટની ટ્રેનિંગનો આભાર માને છે. યુવાન વયથી તેણે ‘કલારીપયટ્ટુ’ જે ‘કલારી’ના નામે પણ જાણીતી છે. તે માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. ‘કલારી’ એ ભારતની સૌથી જૂની સ્વરક્ષણ માટેની માર્શલ આર્ટની તાલીમ પદ્ધતિ છે.

એક સારા માર્શલ આર્ટીસ્ટ કઈ રીતે બની શકાય તેના જવાબમાં વિદ્યુત કહે છે કે, ‘ફક્ત પંચ મારવાથી કે, કિક મારવાથી મહાન માર્શલ આર્ટિસ્ટ નથી બનાતું. તેને માટે ધીરજ રાખતાં શીખવું પડે અને સામેવાળા હરીફનું સંતુલન ખોરવાતાં આવડી જાય ત્યારે માર્શલ આર્ટ આવડ્યું ગણાય!

વિદ્યુતે વર્ષ ૨૦૧૧માં ફિલ્મ ‘ફોર્સ’ થી બોલિવૂડમાં તેના કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ ‘કમાન્ડો’ સિરીઝની ફિલ્મોનો તે એક ભાગ હતો.

વિદ્યુત જામવાલ અભિનીત બે ફિલ્મો ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ ‘ખુદા હાફીઝ’ હોટસ્ટાર પર રિલીઝ થશે. તેમજ ‘યારા’ ફિલ્મ ઝી 5 પર રિલીઝ થશે. જેમાં તે શ્રુતિ હાસન, અમિત સાદ, વિજય વર્મા, કેની બસુમતરી અને સંજય મિશ્રા સાથે દેખાશે. ‘યારા’ ફિલ્મ 2011માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘અ ગૈંગ સ્ટોરી’ની રિમેક છે.

વિદ્યુત જામવાલ સાથે ટોપ ટેન લિસ્ટમાં છે: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના મોંક શિફ શી યન, વિટો પિરબજારી, ગીગા ઉગુરુ, હટ્સુમી મહેંકી, જેડી એન્ડરસન, મુસ્તફા ઈસ્માઈલ, માર્ટીન લિચિસ, બેયર ગ્રીલ્સ વગેરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]