દિલવાળી દિલ્હી નહીં: મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દિલ્હી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અધિકારોની લડાઈ તો ચાલી જ રહી છે. કેન્દ્ર અને દિલ્હી વચ્ચે રાજકીય જંગ ચાલી જ રહ્યો છે, પણ બીજી બાજુ મહિલાઓ માટે રાજધાની સૌથી અસુરક્ષિત છે. જોકે આ કોઈ પરસેપ્શન નહીં, બલકે આંકડાઓની સચ્ચાઈ છે, જેનાથી દિલ્હી પોલીસ, કેન્દ્ર કે રાજ્ય સરકાર મોં ફેરવી શકે એમ નથી.

દિલ્હી આજે ક્રૂર હત્યાથી હચમચી ગયું છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ગઈ કાલે સાહિલ નામના યુવકે સગીર યુવતી સાક્ષીને લોકોની હાજરીમાં રહેંસી નાખી છે. સાહિલ અને સાક્ષી વચ્ચે મિત્રતા હતી અને તેમની વચ્ચે મતભેદ થતાં રવિવારે આ હત્યા થઈ હતી. દિલ્હી પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે.

30 ઓગસ્ટ, 2022એ રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યુરો (NCRB)એ એક રિપોર્ટમાં આંકડાઓ બહાર પાડ્યા હતા, જેમાં દિલ્હીમાં 2021માં યૌન શોષણ, ઓનલાઇન છેતરપિંડીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. 2021માં દિલ્હીમાં મહિલાઓની સામે 13,892 કેસ નોંધાયા હતા, જે 2020ની તુલનામાં 40 ટકાનો વધારો થયો હતો. રાજધાનીના 19 મહાનગરોમાં સ્થિથિ બદથી બદતર છે, જ્યાં મહિલાઓની સામે ગુનાઓની સંખ્યા 43,414 સુધી પહોંચી છે. દિલ્હીમાં પતિઓ દ્વારા ક્રૂરતાના 4674 કેસ, બાળકીઓની સાથે બળાત્કારના 833 અને અપહરણના 3948 કેસ નોંધાયા હતા. અહીં પોક્સોની કલમ હેઠળ 1357 કેસ નોંધાયા છે.

એ ડેટામાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 11 મહિનાઓમાં દિલ્હીમાં બળાત્કારના 1911 કેસ નોંધાયા છે, જ્યારે છેડતીના 2343 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત દિલ્હીમાં ગયા વર્ષે 15 જુલાઈ સુધીમાં 3140 કેસ નોંધાયા છે.