નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં સરેરાશ 96 ટકા વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમાચારથી ખેડૂતો રાહતની લાગણીનો અનુભવ કરશે. ચોમાસાના ઉત્તરાર્ધમાં ‘એલ નીનો’ પરિબળની પ્રતિકૂળ અસર રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે કરી છે.
ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ – સેક્રેટરી એમ. રવિચંદ્ર અને મોસમ વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ચોમાસાના અંદાજ વિશેની જાણકારી આપી હતી. એમણે કહ્યું કે, આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં ચોમાસું સામાન્ય રહેશે. સરેરાશ 870 મિ.મી. વરસાદ પડશે, એટલે કે 96 ટકા જેટલો વરસાદ પડશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક ભાગો તેમજ જમ્મુ-કશ્મીર અને લદાખમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડી શકે છે.
પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં પેરુ નજીક સમુદ્રમાં પાણીની સપાટી ગરમ થાય એને ‘એલ નીનો’ પરિબળ કહે છે. આ પરિબળને કારણે દરિયાની અંદર તાપમાન વધવાથી હવામાનમાં ફેરફાર થાય છે. આ ફેરફારને કારણે સમુદ્રમાં તાપમાન 4-5 ડિગ્રી જેટલું વધી જાય છે. પરિણામે વરસાદ ઓછો થાય છે.
