એરપોર્ટ્સ ખાતે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવાનો સરકારનો કોઈ વિચાર નથી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ ચેપી રોગના નવા કેસ નોંધાયા છે તે છતાં પ્રવાસ-પર્યટકો માટે વિમાનીમથકો ખાતે કોવિડ-19 માટેની RT-PCR ટેસ્ટને ફરજિયાત કરવાનો સરકારનો કોઈ વિચાર નથી, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું છે. એએનઆઈ સમાચાર સંસ્થાને આ સૂત્રોએ કહ્યું કે, કોવિડના સંદર્ભમાં વિમાનીમથકો ખાતે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવાનો હાલને તબક્કે કોઈ પ્લાન નથી.


ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ મહિનામાં, કેન્દ્ર સરકારે ભારતમાં પ્રવેશતા પ્રવાસીઓમાંથી બે ટકા જેટલા માટે ઓચિંતી RT-PCR ટેસ્ટ કરવા વિશે રાજ્ય સરકારોને નવી માર્ગદર્શિકા ઈશ્યુ કરી હતી.

હાલ ભારતમાં કોવિડ-19ના ‘જેએન.1’ સબ-વેરિઅન્ટના 21 કેસ નોંધાયા છે. જોકે એકેય કેસના દર્દીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. ધારો કે એમાંના કોઈકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હશે તો પણ કોઈક અન્ય મેડિકલ કારણસર દાખલ કરાયા હશે, કોરોનાના સબ-વેરિઅન્ટને કારણે નહીં.