નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી દ્વારા દેશમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યને નામે આધારશિલા રાખ્યા પછી રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું હતું કે સ્ટેશનોના પુનર્વિકાસ કરવાના પ્રોજેક્ટને નામ રેલવેનાં ભાડાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો.
તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સામાન્ય લોકોના જીવનને સુલભ બનાવવા માટે કામ કરી રહ્યા છે. રેલવે સ્ટેશન પુનર્વિકાસનો ઉદ્દેશ પણ આ જ છે. અમારી સરકાર ઇચ્છે છે કે યાત્રીઓ પર કોઈ પણ જાતનો કરબોજ નાખ્યા વિના વિશ્વ સ્તરીય સ્ટેશન તૈયાર થાય. અમે રેલવે સ્ટેશનના પુનર્વિકાસને નામે કોઈ ભાડાવધારો કર્યો નથી કે નથી કોઈ વધારાનો ચાર્જ લગાવ્યો.
તેમણે કહ્યું હતું કે રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટનો હિસ્સો બનવા માટે આશરે 9000 એન્જિનિયરોને તાલીમ આપી રહી છે. જેથી તેમને આ પ્રોજેક્ટની બારીકીઓથી માહિતગાર કરી શકાય. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે કોઈ પણ રાજ્યની સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે.
દેશમાં અમૃત ભારત યોજના હેઠળ 1300 રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે, જેમાં 508 અમૃત ભારત સ્ટેશનના પુનર્નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આ 508 સ્ટેશનોના નવનિર્માણ પર લગભગ રૂ. 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ લાભ દેશનાં લગભગ તમામ રાજ્યોને મળશે. જેમ કે ઉત્તર પ્રદેશના લગભગ રૂ. 4000 કરોડના ખર્ચથી 55 સ્ટેશનો વિકસિત કરવામાં આવશે. રાજસ્થાનમાં પણ 55 રેલવે સ્ટેશન અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત નવનિર્મિત થશે.
