તબલિગી જમાતનું મરકજ કોરોનાનું ‘કારખાનું’ બન્યું

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીનું એ બિલ્ડિંગ જ્યાં નિઝામુદ્દીન મરકજ હેઠળ કેટલાય વિદેશી લોકો આવ્યા હતા, એને કેન્દ્ર દ્વારા કોરોના વાઇરસનું હોટસ્પોટ (ચેપગ્રસ્ત લોકોની વધુ સંખ્યા) જાહેર કરવામાં આવ્યું હતું.  100થી વધુ લોકો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી નિઝામુદ્દીનના મરકજમાંથી 2,361 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મરકજને સવારે ચાર વાગ્યે ખાલી કરાવવામાં આવ્યું હતું. આ લોકોમાંથી 1700થી વધુ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મરકજ મામલે પોલીસ દ્વારા સાત FIR નોંધવામાં આવ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાંચ તપાસ કરશે. તેલંગાનાના છ સહિત કોરોનાને કારણે નવનાં મોતને પગલે નિઝામુદ્દીન મરકજમાં રોકાયેલા લોકોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં આઠ-10 માર્ચ સુધી તબલિગી જમાતમાં હિસ્સો લેવા માટે બે હઝારથી વધુ લોકો આવ્યા હતા. આમાં દેશના વિવિધ રાજ્યો અને વિદેશથી કુલ 1,830 લોકો મરકજમાં સામેલ થયા હતા. આ મરકજની આસપાસ અને દિલ્હીની નજીક 500થી વધુ લોકો હતા. તબલિગી જમાતના આ કાર્યક્રમમાં 200થી વધુ વિદેશી લોકો સામેલ હોવાના સમાચાર હતા.

સામેલ થયેલા લોકોની વિવિધ રાજ્યોમાં શોધ

આ મરકજમાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમને ક્વોરોન્ટાઇનમાં રાખવા અને તેમનું પરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મરકજમાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના લોકો સામેલ થયા હતા. આ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, જેથી કોરોનાના ચેપને વધુ ફેલાતો રોકી શકાય.

કોરોનાનું હોટસ્પોટ કે કારખાનું

દક્ષિણ દિલ્હીનું એ બિલ્ડિંગ જે નિઝામુદ્દીન મરકજ હેટળ કેટલાય દેશોમાંથી લોકો આવ્યા હતા. કેન્દ્ર દ્વારા કોરોના વાઇરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. 28 માર્ચે ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે અમને સૂચના મળી છે કે તબલિગી જમાતમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમને આશંકા છે કે અન્ય દેશોથી આવેલા લોકોથી કોરોના વાઇરસ ફેલાઈ શકે છે.