નવી દિલ્હીઃ ફાંસીની તારીખ નજીક આવતા જ નિર્ભયાના ચારેય દોષિતો મૂંઝાયા છે. હવે ફાંસીથી બચવા માટેના તેમની પાસે કાયદાકીય રીતે કોઈ રસ્તા રહ્યા નથી એટલા માટે તેઓ હવે નવા ગતકડા કરી રહ્યા છે. ફાંસીથી સજાથી બચવા માટે નિર્ભયાના એક દોષિત પવને ફરીથી એકવાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે તેણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકોએ મને નિર્દયતાથી માર્યો છે, જેના કારણે મને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેણે કોર્ટને આ દોષિત પોલીસ જવાનો વિરુદ્ધ કેસ કરવાની વાત કહી છે. આ બન્ને પોલીસ જવાનો મંડોલી જેલમાં ફરજ બજાવે છે. આ અરજી પર કોર્ટે જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. આ મામલે હવે પછીની સુનાવણી 12 માર્ચના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના ચારેય દોષિતોને આજથી આઠ દિવસ બાદ ફાંસી આપવાનો સમય કોર્ટે નક્કી કર્યો છે. આ તમામ દોષિતોને 20 માર્ચના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. ત્યારે ફાંસીની તારીખ નજીક આવતા જ હવે દોષિતો બચવા માટેના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આ પહેલા નિર્ભયાના ચાર દોષિતો પૈકી એક વિનય શર્માએ દિલ્હીના ઉપરાજ્યપાલ પાસે એક અરજી આપતા પોતાની ફાંસીની સજા બદલવાની માંગ કરી હતી.