નવી દિલ્હીઃ નિર્ભયાના ગુનેગાર મુકેશ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કયુરેટિવ પિટિશન ફરી વાર દાખલ કરવાની મંજૂરી માગી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 16 માર્ચે સુનાવણી કરવાની છે. જ્યારે બાકીના ગુનેગારોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં તેમના દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવશે અને ફાંસીને અટકાવવા માટે પ્રયાસ કરાશે. આમ નિર્ભયાના કેસના ગુનેગારો ફાંસીને અટકાવવા માટે તમામ ધમપછાડા કરી રહ્યા છે. જોકે કાયદાવિદો જણાવે છે કે હવે ફાંસીની તારીખ બદલાશે નહીં.
મુકેશના વકીલ એમએલ શર્મા દ્વારા અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર અને એમિક્સ ક્યુરી (કોર્ટ સલાહકાર)ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. તેણે અરજીમાં તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે 16 માર્ચ નક્કી કરી છે.
વિનય દ્વારા એપી સિંહ અરજી દાખલ કરશે
વિનય, અક્ષય અને પવનના વકીલ એપી સિંહે જણાવ્યું હતું કે વિનય તરફથી અરજી દાખલ કરવામાં આવશે, જેમાં તેની દયા અરજી કાઢી મૂકવામાં દિલ્હી સરકારની ભલામણને પડકારવામાં આવશે.
અક્ષય દ્વારા પણ અરજી
અક્ષય તરફથી પણ અરજી દાખલ કરવામાં આવશે. એપી સિંહે જણાવ્યું હતું કે પહેલી મર્સી પિટિશન અધૂરી હતી અને બીજી મર્સી પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે પેન્ડિંગ હતી. કોર્ટમાં સવાલ પૂછવામાં આવશે કે મર્સી પિટિશન પેન્ડિંગ રહેવા દરમ્યાન પાંચ માર્ચે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું હતું. આ મામલે પણ કોર્ટમાં અરજી અપાશે.
20 માર્ચે જ ફાંસી
કાયદાવિદ કરણ સિંહ જણાવે છે કે ચારે ગુનેગારની રિવ્યુ, ક્યુરેટિવ અને મર્સી પિટિશન કાઢી નખાઈ છે. છેલ્લી મર્સી પિટિશન કાઢી નખાયા બાદ 14 દિવસ પછી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે 20 માર્ચે ફાંસી અપાઈ જવી જોઈએ.