નિર્ભયા કેસના દોષિતના વકીલનો આરોપઃ કહ્યું વિનય શર્માને આપ્યું ધીમું ઝેર

નવી દિલ્હીઃ ફાંસીની સજા ટાળવા માટે નિર્ભયાના દોષીતો અને તેમના વકીલો એક બાદ એક ચાલ ચાલી રહ્યા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દોષીત પક્ષના વકીલ એ.પી.સિંહે દાવો કર્યો કે, જેલમાં દોષિત વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સરકારી પક્ષના વકીલે કહ્યું કે, તિહાડ જેલ મેનેજમેન્ટે દોષિતો સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સમય પર સોંપ્યા છે. કોર્ટે કહ્યું કે, તમામ દસ્તાવેજ સોંપી દેવામાં આવ્યા છે અને કોઈ નવા નિર્દેશની જરુર નથી.

નિર્ભયા કેસના 3 દોષિતો વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર તરફથી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. શનિવારે આ અરજી પર સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશને દલીલ કરી કે જેલ અધિકારીઓએ દોષિતોના વકીલોને તમામ આવશ્યક દસ્તાવેજો આપ્યા છે, પરંતુ તે સજા ટાળવા માટે વિવિધ પ્રયુક્તિઓ અપનાવી રહ્યા છે. બીજીબાજુ વિનયના વકીલે કહ્યું હતું કે, મારા અશિલને ધીમુ ઝેર આપવામાં આવી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો છે, પણ મેડિકલ અહેવાલ ત્યા સુધી આપવામાં આવ્યો નથી.

દોષિતોની અરજીમાં કહેવામાં આવ્યું કે, અનેક વખત વિનંતી કરવામાં આવી હોવા છતાં તિહાર જેલ પ્રશાસને વર્ષ 2012થી 2015 અને 2019-20 દરમિયાન મેડિકલ રેકોર્ડ, દોષિતોના વ્યવહારને લગતા દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા ન હતા, જોકે આ દસ્તાવેજોને આધારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પિટીશન દાખલ કરવાની છે.