વિવાદોના વડા રહેલા બ્રાઝિલિયન પ્રમુખ 26મીએ મુખ્ય મહેમાન

નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઈર બોલસોનરો ચાર દિવસના સત્તાવાર પ્રવાસ પર આજે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે યોજાનારા ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા બાદ બોલસોનારોનો આ સૌ પ્રથમ ભારત પ્રવાસ છે. તેમની સાથે કેબિનેટના આઠ પ્રધાન અને એક મોટું વ્યાપારી પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી આવ્યું છે. રાષ્ટ્રપતિ બોલસોનારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી અને તેમની ઉપસ્થિતિમાં બન્ને દેશ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા. ગેસ, ખાણ, સાયબર સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ 15 જેટલી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારી પરસ્પરની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે એક વ્યાપક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2023માં બન્ને દેશ વચ્ચે રાજકીય સંબંધોનું પ્લેટીનિયમ જુબિલી વર્ષ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો ગત વર્ષ સત્તા પર આવ્યા હતા.

દક્ષિણપંથી વિચારધારાના બોલસોનરો હંમેશા તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેમણે બ્રાઝિલના ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. બોલસોનરોએ ડિસેમ્બર 2018માં બ્રાઝિલની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી હતી. જાન્યુઆરી 2019માં તેમણે પદભાર સંભાળ્યો. દક્ષિણપંથી વિચારધારાનું સમર્થન કરનારા બોલસોનરોએ લેફ્ટ સરકારને દૂર કરીને સત્તા મેળવી હતી. ભારત દ્વારા ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે આમંત્રણનો પણ વિરોધ થઈ રહ્યો છે.

બોલસોનરો તેમના અંગત વિચારોને લઈને પણ વિવાદમાં રહે છે. મહિલાઓ અને હોમોસેક્સ્યુઅલ લોકો માટેના તેમના વિચારો દેશની પ્રજાને નથી ગમતા. તેમણે બ્રાઝિલની સંસદમાં દલીલ દરમ્યાન વિપક્ષની નેતા મારિયા ડો રોઝારિયો પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતુ કે, હું તમારો બળાત્કાર નહીં કરું કારણ કે તને એને લાયક નથી. આ નિવેદન બદલ ચોતરફ તેમની ટીકા છતાં તેમણે માફી માંગી નહતી. ચૂંટણી દરમ્યાન જાઈર બોલસોનરો પર ચપ્પુ વડે હુમલો થયો હતો.

2017માં તેમણે એક સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે, મારા પાંચ બાળકો છે જેમાંથી ચાર મર્દ છે, પાંચમાં સંતાનનો નબળાઈના સમયે જન્મ થયો એટલે છોકરી થઈ. 2002માં તેમણે ‘ગે’ લોકોના અધિકારોમાં ચાલી રહેલા અભિયાનનો ભાગ બનવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હું એટલા માટે નહીં લડુ કારણ કે હું બે મર્દોને એકબીજા સાથે કિસ કરતા જોઈશ તો તેમને ત્યાં જ મારવા લાગીશ.

બોલસોનરોના ભારત પ્રવાસના વિરોધનું અન્ય એક કારણ એ પણ છે કે, તે શેરડી, એટલે કે સુગરના ગ્લોબલ માર્કેટમાં બ્રાઝિલ ભારતનું ફરીફ છે. બ્રાઝિલ અવારનવાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈજેશનમાં ભારત વિરુદ્ધ વાત રાખી ચૂક્યું છે. તેમનું કહેવું છે કે, ભારત શેરડી પકવતા ખેડૂતોની નક્કી કરેલી લિમિટની બહાર જઈને મદદ કરે છે.