મુંબઈઃ સ્માર્ટ કે મોડર્ન કીચનના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ તેના ગ્રાહકો માટે એક નવું ગેસ સિલિન્ડર લોન્ચ કર્યું છે. આને તેમણે કમ્પોઝિટ સિલિન્ડર નામ આપ્યું છે. આની વિશેષતા એ છે કે એમાં તમે ગેસ કેટલો બચ્યો છે અને કેટલો વાપર્યો છે એ જાણી શકો છો.
સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં ઈન્ડેન કમ્પોઝિટ સિલિન્ડર વધારે મજબૂત અને સુરક્ષિત છે. એનું નિર્માણ ત્રણ સ્તરમાં કરવામાં આવ્યું છે – એક સ્તર બ્લો-મોલ્ડ હાઈ-ડેન્સિટી પોલીઈથાઈલીન (HDPE)નું છે, એની પર પોલીમરથી વીંટાળેલા ફાઈબરગ્લાસનું લેયર હોય છે અને બહારનું સ્તર HDPEવાળું હોય છે. આઈઓસીની વેબસાઈટ પર જણાવ્યા મુજબ, હાલના સ્ટીલના સિલિન્ડર કરતાં આ નવા સિલિન્ડરના ઘણા ફાયદા છે. સ્ટીલના સિલિન્ડર કરતાં નવું સિલિન્ડર વજનમાં 50 ટકા હલકું છે. એની બોડી પારદર્શક છે, જેથી એમાં કેટલો ગેસ બાકી છે એ જોઈ શકાય છે અને એ પ્રમાણે તમે નવા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો. આ સિલિન્ડરમાં કાટ નથી લાગતો. આમાં પોપડા ઉખડતા નથી કે જમીન પર કોઈ પ્રકારના ડાઘ પડતા નથી. નવા સિલિન્ડરો હાલ દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, ફરીદાબાદ અને લુધિયાણામાં જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ એને આખા દેશમાં વેચાણ હેઠળ મૂકવામાં આવશે. આ સિલિન્ડર પાંચ અને 10 કિલો ગેસ સાઈઝમાં મળે છે. 10 કિલોવાળું સિલિન્ડર માત્ર ઘરેલુ, બિન-સબ્સિડીવાળી કેટેગરીના ગ્રાહકો માટે છે. જ્યારે પાંચ કિલોવાળું સિલિન્ડર ઘરેલુ, નોન-સબ્સિડી શ્રેણી અંતર્ગત ફ્રી-ટ્રેડ એલપીજી મારફત અપાશે.
ગ્રાહકો જૂના સિલિન્ડરોની જગ્યાએ નવું સિલિન્ડર મેળવી શકશે. એ માટે તેમણે સિક્યોરિટી ડિપોઝીટ આપવાની રહેશે. 10 કિલોવાળા સિલિન્ડર માટે રૂ. 3,350ની સિક્યોરિટી ડિપોઝીટ છે. જ્યારે પાંચ કિલોવાળા માટે રૂ. 2,150 છે. ઈન્ડેન કંપનીના ગ્રાહકો એમનું વર્તમાન સિલિન્ડરને નવા સિલિન્ડર માટે એક્સચેન્જ કરી શકશે. એ માટે તેમણે સિક્યોરિટી ડિપોઝીટની બેલેન્સ રકમ ચૂકવવાની રહેશે. સામાન્ય ગેસ સિલિન્ડરોની જેમ જ નવા કમ્પોઝિટ સિલિન્ડરની પણ હોમ ડિલીવરી કરાય છે.