ગાઝીપુરઃ નેપાળમાં રવિવારે દુખદ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં આશરે 68 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં પાંચ ભારતીય પણ હતા, જે ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા. આમાંથી ચાર લોકો ગાઝીપુર જિલ્લાના સિપાહ, ધરવા અને અલાવલપુર ગામના રહેવાસી હતો, જ્યારે સંજય જયસ્વાલ બિહારના સીતામઢીના બૈરગનિયા ગામનો રહેવાસી હતો. આ બધા લોકો 13 જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા અને તેમનામાં એકે વિમાન તૂટી પડવાના ઠીક પહેલાં વિમાનની અંદરનો વિડિયો પણ બનાવ્યો હતો.
આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની ઓળખ વિશાલ શર્મા, સોનુ જયસ્વાલ, સંજય જયસ્વાલ, અનિલ કુશવાહા અને અનિલ રાજભરના રૂપે કરવામાં આવી છે. આ માર્યા ગયેલાઓમાં ચાર જણ કેન્દ્રના પોખરા પેરાગ્લાઇડિંગમાં ભાગ લેવાની યોજના બનાવી રહ્યા હતા, એમ સ્થાનિક નાગરિકે આ માહિતી આપી હતી. યતિ એરલાઇનનું એ વિમાન મધ્ય નેપાળના પોખરા શહેરના હાલમાં શરૂ થયેલા એરપોર્ટ પર ઊતરવા દરમ્યાન ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં પાંચ ભારતીય સહિત 72 લોકો સવાર હતા. આ વિમાનમાં કમસે કમ 68 લોકોનાં મોત થયાં હતાં.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ભારતીયોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને મૃતકોના પાર્થિવ શરીર લાવવામાં વિદેશ મંત્રાલયની સાથે સમન્વય કરવા નિર્દેશ આપ્યા હતા. ગાઝીપુરના જિલ્લાધિકારી અર્યાકા અખોરીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર મૃતકોના પરિવાસ સુધી પહોંચી ગયું છે અને દરેક સંભવ મદદની તેમને ખાતરી આપી હતી.