નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની નીતિને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF) સંસ્થાએ તેના દળમાં પહેલી જ વાર 100 મહિલાઓનો સમાવેશ કર્યો છે. કુદરતી આફતોનો સામનો કરે અને બચાવ કામગીરી બજાવે એવી આ 100 સક્ષમ મહિલાઓ છે, એમ એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન. પ્રધાને જણાવ્યું છે.
આફતોનો સામનો કરવા માટે તત્પર રહેતા દેશના કેન્દ્રીય દળની આ મહિલા ટૂકડીની સભ્યોને તાલીમ આપવામાં આવી હતી અને હવે એમને ઉત્તર પ્રદેશના ગઢ મુક્તેશ્વર નગરમાં ગંગા નદીના કાંઠા પર તાકીદની ફરજ બજાવવા માટે તૈનાત કરવામાં આવી છે. આ બહાદુર મહિલા જવાનોએ બચાવ કામદારોની ભૂમિકા ભજવવા માટે તમામ આવશ્યક કુશળતા હાંસલ કરી છે. આમ, લગભગ એક દાયકા અગાઉ સ્થાપવામાં આવેલું NDRF દળ હવે માત્ર પુરુષપ્રધાન રહ્યું નથી. હવે NDRFની દરેક 1000 જવાનોની બટાલિયનમાં 100 જેટલી મહિલા બચાવ કામદારો પણ સામેલ હશે. દેશમાં જુદા જુદા સ્થળે NDRFની 12 સક્રિય બટાલિયનને તૈનાત કરવામાં આવી છે.