નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળમાં હવે નવો અને પરંપરાગત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. અધિકારીઓ અને જવાનો જ્યારે ડાઈનિંગ રૂમ અને વોર્ડરૂમમાં હોય ત્યારે એમણે પરંપરાગત પહેરવેશમાં સજ્જ રહેવું પડે એવી શક્યતા છે.
હાલ દેશમાં ઈન્ડિયા વિરુદ્ધ ભારત ઝુંબેશ જોરમાં ચાલી રહી છે. દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત કરવામાં આવનાર છે એવી જોરદાર અટકળો ચાલી રહી છે. તે દરમિયાન, ભારતીય નૌકાદળના સૈનિકોને પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. નૌકાદળની હાલમાં યોજાઈ ગયેલી ત્રણ-દિવસીય પરિષદ નિમિત્તે રાષ્ટ્રીય નાગરિક પોશાકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ વસ્ત્રો સંરક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અજય ભટ્ટ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં કુર્તા, પાયજામા, ફોર્મલ વેઈસ્ટકોટ્સ, ચુરીદાર પાયજામા અને બંધગળાના સૂટનો સમાવેશ થાય છે. આ પોશાક અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દો હાલ સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
છેક બ્રિટિશ શાસનના સમયથી ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં જવાનો અને અધિકારીઓને ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાની પરવાનગી નથી. સેનાના મેસ (સૈનિકોના ભોજનગૃહ), સંસ્થાઓ તથા વોર્ડરૂમમાં એમની સાથે કોઈ મહેમાનોને પણ ભારતીય વસ્ત્રો સાથે પ્રવેશ કરવા દેવાતો નથી. પરંતુ, હવે બ્રિટિશ હકૂમતના સમયની અને વેસ્ટર્ન સંસ્કૃતિને દૂર કરવા વિશે ભારતીય નૌકાદળમાં વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના આઝાદી દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં પણ પાંચ પ્રણનો ઉલ્લેખ કર્યો હતો. દેશને અંગ્રેજોની ગુલામગીરીની માનસિકતામાંથી આઝાદ કરવાના પોતે દ્રઢનિશ્ચયી છે એવું એમણે કહ્યું હતું. એમણે નૌકાદળના ધ્વજ પરથી બ્રિટિશ કાળના સેન્ટ જ્યોર્જ ક્રોસને કાઢીને શિવાજી મહારાજની રાજમુદ્રા ધરાવતા નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું.