INDIAથી ભારતઃ અંદાજે આટલો ખર્ચ થવાની શક્યતા, જાણો…

નવી દિલ્હીઃ દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા નિમંત્રણ પત્રથી દેશમાં ચોરે ને ચૌટે એક નવી ચર્ચા થઈ રહી છે. નિમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડન્ટ ઓફ ભારત લખવાથી એ વાત અટકળો થઈ રહી છે કે મોદી સરકાર દેશનું નામ ઇન્ડિયાની જગ્યાએ ભારત કરે એવી શક્યતા છે. વળી, હાલમાં સરકારે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે.

આ સિવાય કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ તરફથી ભારતના નામને ટેકો પણ આપવામાં આવી રહ્યો છે. હાલ પાસપોર્ટ, આધાર, સુપ્રીમ કોર્ટ, CBIથી માંડીને ચલણ  નોટો પર પણ INDIA નામથી માંડીને કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધમ યોજનાઓ પર અને દસ્તાવેજોમાં પણ INDIAનો ઉલ્લેખ છે.

આવામાં દેશનું નામ બદલવાની પ્રક્રિયા રાજકીય, વહીવટી અને આર્થિક રૂપે પણ અસર કરશે. જોકે સવાલ એ છે કે વિશ્વના સાતમા સૌથી મોટા દેશ અને 28 રાજ્યવાળા ઇન્ડિયા અને ભારતના 766 જિલ્લા અને 6.40 લાખથી વધુ ગામોમાં નામ બદલવાનો ખર્ચ કેટલો આવશે?

આશરે રૂ. 15,000 કરોડથી વધુનો ખર્ચ

જો મોદી સરકાર દેસનું નામ ઇન્ડિયાથી માત્ર ભારત કરશે તો ઓલિવિયર ફોર્મ્યુલા (ઓલિવિયરે આફ્રિકી દેશ સ્વાઝીલેન્ડનું નામ એસવાટિની કરવા પર આવેલા ખર્ચનો અભ્યાસ કર્યો હતો, જે મુજબ રિબ્રાન્ડિંગનો ખર્ચ આશરે 60 લાખ ડોલર ખર્ચ આવ્યો હતો) મુજબ નામ બદલવાનો આશરે રૂ. 15,600 કરોડનો ખર્ચ થાય એવી સંભાવના છે. જોકે આમાં આ સંપૂર્ણ ખર્ચ મોદી સરકાર પર નહીં આવે, પણ રાજ્ય સરકારોનો ખર્ચ પણ એમાં સામેલ છે.