સરકારની સલાહ: પ્લાસ્ટિકથી બનાવાયેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરે નાગરિકો

નવી દિલ્હી- આગામી સપ્તાહે આવનારા સ્વતંત્રતા દિવસ પહેલાં કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે. ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધ્વજ સંહિતાનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેના પરામર્શમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેથી જ રાષ્ટ્રીય ધ્વજને સમ્માનનો દરજ્જો આપવો જોઈએ. વધુમાં મંત્રાલયે જણાવ્યું કે, તેમના ધ્યાન ઉપર એવી વાત આવી છે કે, મહત્વપૂર્ણ સમારોહમાં કાગળથી બનાવવામાં આવેલા ધ્વજને બદલે પ્લાસ્ટિકથી બનાવવામાં આવેલા ત્રિરંગાનો ઉપયોગ કરવામાં આવે છે.

સરકારના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકથી બનાવવામાં આવેલા ધ્વજ કાગળના ધ્વજની જેમ કુદરતી રીતે નષ્ટ થતા નથી. તેથી રાષ્ટ્રીય ધ્વજના સમ્માનને અનુરુપ પ્લાસ્ટિકથી બનાવવામાં આવેલા ધ્વજનો યોગ્ય નિકાલ કરવો એ એક વ્યવહારુ સમસ્યા છે.

આપને જણાવી દઈએ કે, નેશનલ ઓનર્સ અધિનિયમ 1971ની કલમ 2 મુજબ કોઈ પણ સાર્વજનિક સ્થળો પર અથવા કોઈ અન્ય જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ અથવા તેના કોઈ ભાગને સળગાવવો, તેને ગંદો કરવો અથવા તેના ઉપર પગ રાખીને તેનું અપમના કરે છે તો તેવા સંજોગોમાં જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ત્રણ વર્ષ જેલની સજા અથવા આર્થિક દંડ કરવામાં આવી શકે છે.

મંત્રાલય તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઘટનાઓ પર ભારતની ધ્વજ સંહિતા 2002ની જોગવાઈ મુજબ દેશના નાગરિકો દ્વારા કાગળથી બનાવવામાં આવેલા ધ્વજનો ઉપયોગ કરવો જોઈએ.