કેરળમાં મેઘપ્રકોપ: 27નાં મરણ, રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે લશ્કરની મદદ માગી

તિરુવનંતપુરમ – કેરળ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. બચાવ કામગીરી માટે કેરળ સરકારે લશ્કર, નૌકાદળ તથા હવાઈ દળની મદદ માગી છે. વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 27 જણનો ભોગ લેવાઈ ગયો છે. હજી વધારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

બુધવાર-ગુરુવારની રાતથી પડી રહેલા ભારે વરસાદે કેરળના અનેક જિલ્લાઓમાં કાળો કેર વર્તાવ્યો છે. ભારે વરસાદને લીધે અનેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની છે.

ઈડુક્કી જિલ્લામાં વરસાદી દુર્ઘટનાઓમાં 11, માલાપુરમમાં પાંચ, વાયનાર્ડમાં 3, કાણનુર અને કોઝીકોડ જિલ્લાઓમાં બે-બે મૃત્યુ નોંધાયા છે.

કોચી એરપોર્ટ પર વિમાન સેવા આંશિક રીતે સ્થગિત કરી દેવામં આવી છે. હાલ એક પણ ફ્લાઈટને આ એરપોર્ટ પર ઉતારવા દેવામાં આવતી નથી.

મુખ્ય પ્રધાન પિનારાયી વિજયને આજે પ્રધાનમંડળની તાકીદની બેઠક બોલાવી હતી અને ત્યારબાદ પત્રકારોને કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. સતત ભારે વરસાદને કારણે અમારે રાજ્યમાં 22 ડેમનાં દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે. આવી પરિસ્થિતિ તાજેતરના ભૂતકાળમાં ક્યારેય બની નથી. અમે લશ્કર, નૌકાદળ અને હવાઈદળની મદદ માગી છે. છ જિલ્લામાં સૌથી ખરાબ અસર પડી છે.

બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટૂકડીઓ તામિલનાડુથી કેરળ પહોંચી છે.

અભૂતપૂર્વ વરસાદને કારણે કેરળમાં ઠેકઠેકાણે પૂર આવ્યા છે.

રાજ્યમાં લગભગ તમામ ડેમના દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે.

ઈડુક્કી ડેમનો પહેલો દરવાજો ખોલી દેવાયો

કેરળમાં ભારે વરસાદને કારણે ઈડુક્કી સરોવર પરના ચેરુથોની ડેમના પાંચમાંનો પહેલો દરવાજો 26 વર્ષમાં પહેલી વાર આજે ખોલવામાં આવ્યો છે. સરોવરમાંથી પ્રતિ સેકંડ 50 હજાર લીટર પાણી રિલીઝ થઈ રહ્યું છે.

ઈડુક્કી સરોવર પરનો ડેમ એશિયાનો સૌથી મોટો આર્ક ડેમ છે. આ ડેમ 1875માં બાંધવામાં આવ્યો હતો.