નવી દિલ્હી- વડાપ્રધાન આગામી લોકસભામી ચૂંટણીમાં જીત મેળવી શકશે કે નહીં તેને લઈને તમામ પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા હજુ પણ સૌથી વધુ છે. ટ્વિટર ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે અનુસાર વર્ષ 2018માં અત્યાર સુધી વડાપ્રધાન મોદી ટ્વિટર પ્લેટફોર્મ પર સૌથી ચર્ચિત ચહેરો રહ્યાં છે. આ ઉપરાંત ટ્વિટરના રિપોર્ટ અનુસાર ટોપ 10 પર્સનાલિટીઝમાં ભાજપના જ 4 નેતાનો સમાવેશ થાય છે. ટ્વિટર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા, બીજેપી ચીફ અમિત શાહ ત્રીજા, CM યોગી આદિત્યનાથ ચોથા ક્રમ પર છે. આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ સિવાય દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક માત્ર એવા નેતા છે જે ટોપ 10માં સમાવેશ થાય છે.આ લિસ્ટમાં કેજરીવાલ 5માં સ્થાન પર છે. જ્યારે છઠ્ઠા ક્રમ પર અભિનેતા પવન કલ્યાણ છે, અને 7માં ક્રમ પર બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન છે. એક્ટર વિજય આઠમાં અને મહેશ નવમાં સ્થાન પર છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને હાલમાં ચૂંટણી જંગમાં ઉતરેલા શિવરાજ સિંહ ચૌહાણ 10માં નંબર પર છે.તો બીજી તરફ પોપ્યુલર સોશ્યલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે.
ફોટો શેર કરવા માટે યુવા વર્ગની ફેવરિટ ગણાતી ઈન્સ્ટાગ્રામ એપ પર મોદીના 15.5 મિલિયન ફોલોઅર્સ છે. બીજા ક્રમે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો 14 લાખ ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે.ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્રમમાં ત્રીજા નંબરે છે.તેમના 10.9 મિલિયન ફોલોઅર્સ છે. સોશ્યલ મીડિયા પર પીએમ મોદી ઘણા સક્રિય રહે છે. ટ્વિટર પર પણ તેમની હાજરી સતત જોવા મળતી હોય છે. ટ્વિટર પર પણ તેમના 4.2 કરોડ ફોલોઅર્સ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોપ ફ્રાન્સિસ પછી તેમનો ત્રીજો નંબર છે.