વાજપેયીની જેમ સહિષ્ણુ બનતા શીખોઃ ડો. ફારુક અબ્દુલ્લાની વડા પ્રધાન મોદીને સલાહ

જમ્મુ – જમ્મુ અને કશ્મીર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સલાહ આપી છે. એમણે કહ્યું છે કે મોદીએ અટલબિહારી વાજપેયીની જેમ ઉદાર અને સહિષ્ણુ બનવું જોઈએ તો જ તમામ લોકોનું એમને સમર્થન મળશે.

અહીં એક કાર્યક્રમમાં બોલતી વખતે નેશનલ કોન્ફરન્સના વડા અબ્દુલ્લાએ ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ કર્યો હતો કે તે દેશમાં વિભાજનકારી એજન્ડાને અનુસરે છે.

અબ્દુલ્લાએ એવો દાવો કર્યો હતો કે, જવાહરલાલ નેહરુએ જ્યારે લાલ કિલ્લા પરથી પહેલી વાર તિરંગો ફરકાવ્યો હતો ત્યારે એમણે વિચાર્યું નહીં હોય કે ભવિષ્યમાં એક એવી પાર્ટી સત્તા પર આવશે જે આ દેશના ભાગલા પડાવશે. બ્રિટિશરોએ દેશના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડાવી દીધા હતા. હવે જો અત્યારનો શાસક પક્ષ એના વિભાજનકારી એજન્ડા સાથે સત્તા પર ચાલુ રહેશે તો દેશના ઘણા ભાગલા પડી જશે.

અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપ એવો દાવો કરે છે કે ભગવાન રામ એમના છે, પણ પવિત્ર લખાણો અનુસાર, ભગવાન રામ સમગ્ર સૃષ્ટિના છે અને એકલા હિન્દુઓનાં નથી.

વાજપેયી જેવા સહિષ્ણુ બનવાનું મોદીને જણાવીને ડો. અબ્દુલ્લાએ કહ્યું કે, તે એક વડા પ્રધાન છે. એમણે પ્રમાણે જ વર્તવું જોઈએ અને નાની નાની બાબતોમાં પડવું ન જોઈએ. એમણે અમુક એવા નિવેદનો કર્યા છે જે મને ગમ્યા નથી. પ્રાઈમ મિનિસ્ટર સાહબ, મહેરબાની કરીને થોડાક સહિષ્ણુ બનો. જો તમારે આ દેશને ચલાવવો હોય તો તમારે સહિષ્ણુ બનવું પડે અને બીજાઓનું સમર્થન પણ મેળવવું જોઈએ. જો તમારે આ દેશ ચલાવવો હોય તો બધાયને સાથે લઈને ચાલવું જોઈએ. વાજપેયીજીની જેમ સહિષ્ણુ બનો.

અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રહીશું, પણ આપણા સૈનિકો એમના જાન ગુમાવશે. આપણે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની જરૂર નથી. આપણે એવું ઈચ્છવું જોઈએ કે એ દેશો પણ પ્રગતિ કરે અને સમૃદ્ધ બને.