નવી દિલ્હી: જાણીતા મેગેઝિન ધ ઇકોનોમિસ્ટના નવા કવર પેજને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. મેગેઝિને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કવર પેજ પર કાંટાળા તારની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળનું ફુલ દેખાઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, ‘અસહિષ્ણુ ભારત(Intolerant India), કેવી રીતે મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે’.
ધ ઇકોનોમિસ્ટ મેગેઝિનના કવર પેજને ટ્વીટ કર્યું હતું. આર્ટિકલના ટાઈટલમાં પીએમ મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ભાગલા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં આગળ લખવામાં આવ્યું છે કે, ભારતના 20 કરોડ મુસલમાન ડરમાં જીવી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રી હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં વ્યસ્ત છે. 80ના દાયકામાં રામ મંદિર માટે આંદોલનની સાથે ભાજપની શરુઆત પર ચર્ચા કરતા લેખમાં આગળ તર્ક તર્ક આપવામાં આવ્યો છે કે, સંભવિત રીત નરેન્દ્ર મોદી અને ભાજપને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખના આધાર પર કથિત વિભાજનથી ફાયદો થયો છે.
એનઆરસી મુદ્દે મેગેઝિન લેખમાં લખવામાં આવ્યું છે કે, ગેરકાયદે શરણાર્થિઓની ઓળખ કરવામાં કાયદેસર ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી 130 કરોડ ભારતીય પ્રભાવિત થશે. આ અનેક વર્ષો સુધી ચાલશે. લિસ્ટ તૈયાર થયા પછી તેમા રહેલા પડકારો અને ફરીથી સુધારા કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલશે. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે, આ પ્રકારના મુદ્દાઓને લોકો સામે ધરીને અન્ય મુદ્દાઓ જેવા કે અર્થવ્યવસ્થા, બેરોજગારી વગેરે પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ભાજપે સત્તા મેળવ્યા પછીથી જ દેશની અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે.
મેગેઝિનના કવરને લઈને ભાજપના અનેક નેતાઓએ તેની ટીકા કરી છે. ભાજપના નેતા વિજય ચોથાઈવાલેએ મેગેઝિનને અંહકારી અને તુચ્છ માનસિકતા વાળુ ગણાવ્યું છે. મહત્વનું છે કે, ધ ઈકોનોમિસ્ટ ગ્રુપના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યૂનિટે ચાલુ સપ્તાહે જ ગ્લોબલ ડેમોક્રેસી ઈન્ડેક્સનું લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમાં ભારત 10 સ્થાન પાછળ ધકેલાઈને 51માં સ્થાન પર પહોંચ્યું હતું. આ લિસ્ટ અનુસાર 2018માં ભારતનો અંક 7.23 હતો, જે 2019માં ઘટીને 6.90 રહી ગયો.