નવી દિલ્હી: જેએનયુ વિવાદ, નાગરિકતા કાયદો અને હાલની રાજકીય સ્થિતિ પર સત્તાધારી પાર્ટી બીજેપીને ભીંસમાં લેવા અને વિપક્ષી એકતાનો દમ દેખાડવા કોંગ્રેસે આજે દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. પણ આ બેઠક પહેલા જ વિપક્ષી દળોમાં તિરાડ જોવા મળી રહી છે. એક એક કરીને વિપક્ષી પાર્ટીઓ બેઠકથી દૂરી બનાવી રહી છે. અગાઉ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બસપા સુપ્રીમો માયાવતી અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. આ સ્થિતિમાં બધાની નજર કોંગ્રેસના નવા સાથી શિવસેના પર છે જેને ભાજપ સાથે વર્ષો જૂની મિત્રતા તોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.
આજ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભાવી રાજકીય દળ બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસની બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી. માયાવતીએ તાજેતરમાં જ રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ મહાસચિવ બાળકોને ગુમાવનાર માતાઓને મળવા કોટા નહીં જાય તો ઉત્તર પ્રદેશમાં પીડિત પરિવારો સાથેની તેમની મુલાકાતને રાજકીય હીત અને ડ્રામા જ માનવામાં આવશે.
મમતા બેનરજીએ ગયા સપ્તાહે ટ્રેડ યુનિયનની સ્ટ્રાઈક દરમિયાન વામપંથી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ વિપક્ષની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, મેં જ વિપક્ષને બેઠકનો વિચાર આપ્યો હતો. રાજ્યમાં જે થયું તેના કારણે હવે મારા માટે આ બેઠકમાં સામેલ થવું શક્ય નથી. CAA-NRC વિરુદ્ધ સૌથી પહેલાં આંદોલન મેં જ શરૂ કર્યું હતું. CAA-NRCના નામે વામપંથી અને કોંગ્રેસ જે કરી રહ્યા છે તેને આંદોલન ન કહી શકાય.
સોનિયાએ CAAને ભાગલા પાડનાર કાયદો ગણાવ્યો
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે નાગરિકતા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.
બેઠકમાં મહત્વનો મુદ્દો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા છે. આ મામલે કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવી છે. આ કમિટીએ તેમનો રિપોર્ટ હાઈ કમાનને સોંપી દીધો છે. આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવીડ મુનેત્ર કડંગમ (DMK), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લી, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા જળ, (આરજેડી), સમાજવાદીપાર્ટી (એશપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે 2 વાગે થનારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે.