મુસ્લિમ મહિલા માગી શકે છે પતિથી ભરણપોષણ ભથ્થું : SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો હતો કે તલાકવાળી (છૂટાછેડાવાળી) મહિલાઓને અપરાધિક પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર છે. આ ચુકાદો કોર્ટે તેલંગાણા મામલે આપ્યો હતો, જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ હાઇકોર્ટના એ ચુકાદાને પડકાર ફેંક્યો હતો, જેમાં તેણે ભૂતપૂર્વ પત્નીને વચગાળાના ભથ્થાં તરીકે રૂ. 10,000 આપવા માટે આદેશ આપ્યો હતો.

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહે અલગ-અલગ પણ એકમત જેવો જ ચુકાદો આપતાં કહ્યું હતું કે CrPCની કલમ 124 બધી મહિલાઓ પર લાગુ થાય છે. કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ એના માટે અરજી દાખલ કરી શકે છે. 125 CrPCને બદલે મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ની જોગવાઈ દ્વારા શાસિત હોવી જોઈએ.

કોર્ટે કહ્યું હતું કે એક ભારતીય મુસ્લિમ વિવાહિત મહિલાએ એ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આ પ્રકારના આદેશથી સશક્તીકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. અમે અમારા ચુકાદામાં 2019ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકનાં પાસાંઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે CrPCની કલમ 125 હેઠળ તમામ મહિલાઓ (લિવ ઇન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફક્ત વિવાહિત મહિલાઓ પર.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કલમ 125 CrPC હેઠળ કેસ લંબિત હોય અને મુસ્લિમ મહિલા તલાક લઇ લે તો તે 2019ના કાયદાનો સહારો લઈ શકે છે. 2019નો કાયદો કલમ 125 CrPC હેઠળ વધારાના ઉપાયો પૂરા પાડે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક મુસ્લિમ યુવકની અરજી ફગાવી દીધી હતી. જેમાં CrPCની કલમ 125 હેઠળ તેની તલાકશુદા પત્નીની તરફેણમાં વચગાળાના ભરણપોષણ આદેશને પડકારાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) એક્ટ 1986ની કલમ 125ની જોગવાઈઓને રદ નહીં કરે.