મુંબઈઃ અત્રે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બ વડે ઉડાવી દેવાના મળેલા એક ફોન કોલના કિસ્સામાં પોલીસે શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે અને તેની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 505(1) (બી) અને 506 અંતર્ગત ગુનો નોંધ્યો છે.
ધમકીભર્યા ફોન કોલની ઘટના ગઈ કાલની છે. સાંજે લગભગ 4.30 વાગ્યે સ્કૂલના લેન્ડલાઈન નંબર પર નનામો ફોન આવ્યો હતો, જેમાં કોલરે એવો દાવો કર્યો હતો કે સ્કૂલી અંદર એક બોમ્બ મૂકવામાં આવ્યો છે. એટલું કહીને એણે ફોન કાપી નાખ્યો હતો. તે અજ્ઞાત વ્યક્તિએ બાદમાં તરત જ લેન્ડલાઈન પર બીજો કોલ કર્યો હતો અને પોતે ગુજરાતમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. એણે એમ પણ કહ્યું હતું કે પોલીસ મને પકડી લે એટલા માટે હું આમ કહું છું. કારણ કે મારી ધરપકડ થવાથી મને પ્રસિદ્ધિ મળશે. બધાયનું ધ્યાન મારી તરફ ખેંચાશે. એમ કહીને તેણે ફોન કટ કરી દીધો હતો. સ્કૂલના સત્તાવાળાઓએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેણે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે ફોન કરનારને ઓળખી કાઢવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ એની ધરપકડ કરવામાં આવશે.
આ શાળામાં ફિલ્મી કલાકારો, નેતાઓ તથા સરકારી અમલદારોનાં સંતાનો ભણતાં હોય છે. મુંબઈમાં આ સૌથી પ્રસિદ્ધ શાળા છે.