મુખ્તાર અન્સારીઃ હાઈપ્રોફાઈલ મર્ડર, બે બાહુબલી, 14 વર્ષ જેલ અને બદલાઈ કહાણી

નવી દિલ્હી- ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા મામલે દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે તમામ પાંચ આરોપીઓને છોડી મૂક્યાં છે. મહત્વનું છે કે, ધારાસભ્ય કૃષ્ણાનંદની 2005માં થયેલ હત્યા મામલે બહુજન સમાજ પાર્ટીના બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારી, મુન્ના બજરંગી સહિત 5 લોકો પર આરોપ હતો. આમાંથી મુન્ના બજરંગીની થોડા દિવસો અગાઉ જ જેલમાં હત્યા કરી દેવામાં આવી હતી.

આ મામલે કોર્ટનો આ નિર્ણય મુખ્તાર અન્સારી માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. મુખ્તાર અન્સારી અપરાધની દુનિયામાંથી રાજનીતિમાં આવીને પૂર્વાચલના રોબિનહુડ બની ગયા. જોકે, આજે પણ પ્રદેશના માફિયા અને બાહુબલી નેતાઓમાં મુખ્તાર અન્સારીનું નામ પ્રથમ પાયદાન પર માનવામાં આવે છે.

કોણ છે મુખ્તાર અંસારી

મુખ્તાર અન્સારીનો જન્મ યૂપીના ગાજીપુર જિલ્લામાં થયો હતો. તેમના દાદા મુખ્તાર અહમદ અન્સારી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. જ્યારે તેમના પિતા એક કોમ્યૂનિસ્ટ નેતા હતાં. રાજનીતિ મુખ્તાર અન્સારીને વારસામાં મળી હતી. કિશોરવયેથી જ મુખ્તાર નીડર અને દબંગ હતાં. તેઓ વિદ્યાર્થી રાજનીતિથી શરુઆત કરીને રાજકીય સફર પર નીકળી પડ્યા. કોલેજમાં તેમણે એક પ્રતિયોગિતામાં સુવર્ણ પદક જીતવા ઉપરાંત કંઈ ખાસ નથી કર્યું. પરંતુ રાજનીતિ વિજ્ઞાનના એક નિવૃત પ્રોફેસર બી.બી. સિંહના અનુસાર અન્સારીએક આજ્ઞાકારી વિદ્યાર્થી હતાં.

1988માં પ્રથમ વખત એક હત્યાના મામલે મુખ્તાર અંસારીનું નામ આવ્યું હતું. જોકે, તેમના વિરુદ્ધ કોઈ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા ન હતા. 1990ના દાયકો મુખ્તાર અન્સારી માટે ઘણો મહત્વનો હતો. વિદ્યાર્થી નેતા પછી જમીન કારોબાર અને કોન્ટ્રાક્ટને કારણે તેણે અપરાધની દુનિયામાં પગ મુક્યો હતો. પૂર્વાંચલના મઉ,ગાઝીપુર,વારાણસી, અને જોનપુરમાં તેમના નામનો સિક્કો ચાલવા લાગ્યો હતો.

રાજનીતિમાં એન્ટ્રી અને ગેંગવોર

1995માં મુખ્તાર અંસારીએ રાજનીતિની મુખ્યધારામાં પગ મુક્યો હતો. 1996માં મુખ્તાર અંસારી પ્રથમ વખત વિધાન સભાની ચૂંટણી માટે પસંદ કરાયા હતાં. ત્યાર બાદ તેમણે બ્રજેશ સિંહની સત્તાને પાડવાની શરુ કરી હતી. વર્ષ 2002 સુધીમાં તો આ બંન્નેની ગેંગ જ પૂર્વાચલમાં સૌથી મોટી ગેંગ બની ગઈ. આ દરમિયાન એક દિવસ બ્રજેશ સિંહે મુખ્તાર અંસારીના કાફલા ઉપર હુમલો કરાવ્યો. બંન્ને તરફથી ગોળીબાર થયો અને હુમલામાં મુખ્તારના ત્રણ લોકો માર્યા ગયા. બ્રજેશ સિંહ પણ આ હુમલામાં ઘાયલ થયો. તેમનું મોત થયું હોવાની અફવાઓ પણ ચાલી હતી. ત્યાર બાદ બાહુબલી મુખ્તાર અંસારી પુર્વાંચલમાં એકલા ગેંગ લિડર બનીને સામે આવ્યા હતાં. મુખ્તાર ચોથી વખત ધારાસભ્ય છે.

કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને ગુનાહિત મામલાઓ

મુખ્તાર અંસારી જેલમાં બંધ હતો. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને તેમના 6 અન્ય સાથીઓને ખુલ્લેઆમ ગોળીમારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ 6 AK 47 રાઈફલથી 400થી વધુ ગોળીઓ ચલાવી હતી. માર્યા ગયેલા સાત લોકોના શરીરમાંથી 67 ગોળીઓ કાઢવામાં આવી હતી. આ ઘટનાનો એક મહત્વપૂર્ણ સાક્ષી શશીકાન્ત રાય 2006માં રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેમણે કૃષ્ણાનંદ રાયના કાફલા પર હુમલા કરનારાઓમાંથી અંસારી અને બજરંગીના નિશાનેબાજો અંગદ રાય અને ગોરા રાયને ઓળખી લીધા હતાં.

કૃષ્ણાનંદ રાયની હત્યા પછી મુખ્તાર અંસારીનો દુશ્મન બ્રજેશ સિંહ ગાજીપુર મઉ ક્ષેત્રમાંથી ભાગી નીકળ્યો હતો. 2008માં ઓડિશામાંથી તેમની ધરપકડ કરવામાં આવી. 2008માં અંસારીને એક હત્યાના મામલે સાક્ષી ધર્મેન્દ્ર સિંહ પર હુમલાના આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ પીડિતે એક સોંગદનામું આપીને અંસારી વિરુદ્ધ કાર્યવાહી રોકવાનો અનુરોધ કર્યો હતો. 2012માં મહારાષ્ટ્ર સરકારે મુખ્તાર પર મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) લગાવ્યો હતો. તેમની વિરુદ્ધ હત્યા, અપહરણ, ખંડણી સહિતના ગુનાહિત મામલાઓ દર્જ છે.

લોકો કહે છે ગરીબોનો મસીહા

મુખ્તાર અંસારીને ધારાસભ્યના તરીકે મળતા ધારાસભ્ય ફંડ કરતા 20 ટકા વધુ રૂપિયા તેમના મતદારક્ષેત્રમાં ખર્ચ કરતા રહ્યાં. તેમણે મઉ અને અન્ય વિસ્તારોમાં વિકાસના અનેક મોટા કામો કરાવ્યાં. મુખ્તારે ધારાસભ્ય તરીકે રોડ,પુલ, અને હોસ્પિટલો ઉપરાંત એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ નિર્માણ કરાવ્યું છે. સાથે જ તે તેમના ફંડના 30 ટકા ખાનગી અને સાર્વજનિક સ્કૂલો અને કોલેજો પર પણ ખર્ચ કરતા રહ્યાં.

પૂર્વાંચલના એક લેખક ગોપાલ રાયના જણાવ્યા અનુસાર અંસારીએ વ્યક્તિગત રીતે તેમના પુત્રને એક સોફ્ટવેર એન્જિનિયર બનાવવામાં અમારી જે રીતે મદદ કરી છે કે અમે કદી ન ભૂલી શકીએ. એવી જ રીતે અન્ય વ્યક્તિની પત્નીના હાર્ટના ઓપરેશન માટે તેમને આર્થિક મદદ કરી હતી. મુખ્તાર અંસારીનો સમગ્ર પરિવાર આ વિસ્તારમાં થતા ગરીબોની છોકરીઓના લગ્ન માટે દહેજની વ્યવસ્થા કરે છે.

બાહુબલી મુખ્તાર અંસારીની હત્યા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેનો ખુલાસો 2014માં થયો. બ્રજેશ સિંહે અંસારીને મારવા માટે લંબૂ શર્માને 6 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. આ મહત્વનો ઘટસ્ફોટ લંબૂ શર્માની ધરપકડ પછી થયો. આ મામલાને ગંભીરતાથી લેતા જેલમાં અંસારીની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સોપારીના ઘટસ્ફોટ પછી પૂર્વાંચલમાં યૂપી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિઅલ ટાસ્ક ફોર્સે તેમની સક્રિયતા વધારી દીધી હતી. આજે પણ કોર્ટમાં હાજરી કે વિધાનસભાના સત્ર માટે જતા સમયે મુખ્તારની કડક સુરક્ષા રાખવામાં આવે છે.

2005માં કર્યુ આત્મસમર્પણ

અંસારીના રાજકીય કેરિયરને કાયદાની ઉથલ પુથલે હચમચાવી નાખ્યું હતું. ઓક્ટોબર 2005માં મઉમાં હિંસા ભડકી હતી ત્યાર બાદ તેમના પર અનેક આરોપ લાગ્યા હતાં. આ સમય દરમિયાન તેમણે ગાઝીપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી મુખ્તાર જેલમાં બંધ છે. શરુઆતમાં તેને મથુરા જેલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી તેમને આગરાની જેલમાં મોકલવામાં આવ્યો અને તે પછી તેમને લખનૌ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો. મુખ્તારના જેલમાં ગયા બાદ પૂર્વાંચલમાં તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]