રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું; મોતીલાલ વોરા કાર્યકારી પ્રમુખ

નવી દિલ્હી – કોંગ્રેસના પ્રમુખપદેથી આપેલું રાજીનામું પાછું ખેંચવાની પક્ષના નેતાઓએ કરેલી તમામ વિનંતીઓનો હવે અંત આવી ગયો છે. રાહુલે એક પત્ર ટ્વીટ કર્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે પોતે કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આ પત્ર રાહુલના એ સમર્થકો માટે સ્પષ્ટ સંદેશ છે જેઓ એમને રાજીનામાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની વિનંતી કરતા હતા.

દરમિયાન, પક્ષના વરિષ્ઠ નેતા અને રાહુલ સાથે લાંબા સમયથી સંકળાયેલા મોતીલાલ વોરાને પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે.

90 વર્ષના મોતીલાલ વોરા પક્ષના સિનિયર-મોસ્ટ મહામંત્રી છે. પક્ષના બંધારણ અનુસાર, કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC)ની હવે પછીની બેઠક મળે ત્યાં સુધી જ વોરા કાર્યકારી પ્રમુખ તરીકે રહેશે.

વોરા ગાંધી પરિવારની નિકટના નેતા હોવાનું મનાય છે. એ 1985થી 1988 સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદે પણ રહ્યા હતા. ત્યારબાદ એ કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ થયા હતા. 1993 અને 1996 સુધી તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નરપદે પણ રહ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ તરીકે સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગે પણ ટોચના દાવેદાર છે.

જો આમાંનો કોઈ ઉમેદવાર પક્ષપ્રમુખ બનશે તો પી.વી. નરસિંહ રાવ અને સીતારામ કેસરી બાદ ત્રીજા નેતા બનશે, જે નેહરૂ-ગાંધી પરિવારની બહારના હશે.