નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મલાનામાં વાદળ ફાટ્યા પછી પાંચ લોકોના મોત થયા છે અને 50થી વદુ લોકો હજી પણ લાપતા છે. ભારે પૂરને લીધે વીજળી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગામોને જોડતા રસ્તા ધોવાઈ ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન જારી છે, પરંતુ સ્થિતિ ખરાબ થઈ થઈ રહી છે.
કુલુ જિલ્લામાં મલાના પ્રોજેક્ટોનો એક ડેમ તૂટ્યો હતો. ડેપ્યુટી કમિશનર તોરુલ એસ રવીશે એક નિવેદનમાં કહ્યું હતું કે સ્થિતિ કાબૂમાં છે અને રાહત અભિયાન જારી છે. સરકારે ચોમાસા પહેલાં કહ્યું હતું કે ગયા વર્ષની તબાહી પછી આ વખતે કુદરતી આફતો સામે મોટા ભાગની તૈયારીઓ કરી લીધી હતી, પણ પ્રદેશના અલગ-અલગ ડેમો પર સુરક્ષાના ઉપાયથી જોડાયેલા કામ અધૂરાં દેખાઈ રહ્યાં છે. આ ડેમના પાણીએ ગામોમાં સૌથી મોટી તબાહી મચાવે છે.
મલાના-I પ્રોજેક્ટની ઇમારતોમાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવા માટે NDRF અને હોમગાર્ડની ટીમો તેમને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રદેશના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ સેન્ટરે માહિતી આપી છે કે કુલુના નિરમંડ અને સેઝ વિસ્તારો સિવાય મંડીના પધર અને શિમલા જિલ્લાના રામપુરમાં વાદળ ફાટવાની ઘટના થઈ હતી. અહીં પણ કેટલાંય ઘરો અને પૂલ વહી ગયા છે.
હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં 48 કલાકમાં બીજી વાર ભૂકંપ આવ્યો છે. હાલ અહીં કોઈ નુકસાનના અહેવાલ નથી અને ભૂકંપની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી.