કોરોનાને લીધે 30,000થી વધુ બાળકો અનાથઃ NCPCR

નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCRએ) સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી છે કે વિવિધ રાજ્યોએ પાંચ જૂન સુધી આપેલી માહિતી મુજબ 30,000 બાળકો અનાથ થયાં છે અથવા તેમણે કોરોના રોગચાળાને કારણે માતા-પિતા ગુમાવ્યાં છે.

આ માહિતી મુજબ 26,176 બાળકોએ માતાપિતા ગુમાવ્યાં છે, જ્યારે 3621 બાળકો અનાથ થયાં છે, જ્યારે 274 બાળકોને છોડી દેવામાં આવ્યાં છે. કમિશને વધુમાં કહ્યું હતું કે એક એપ્રિલ, 2020થી પાંચ જૂન, 2021 સુધી માતા અથવા પિતા અથવા બંને ગુમાવનારાં બાળકો વિશે રાજ્યવાર ડેટા પ્રાપ્ત થયો છે, આમાં તેમનાં મૃત્યુનું કારણ કોઈ પણ હોય (કોરોનાને કારણે મૃત્યુ સિવાય) તેમને બાલ સ્વરાજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે, એ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રને સૌથી વધુ અસર થઈ છે, જેમાં  ગયા વર્ષે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્રમાં 7084 બાળકો અનાથ થવાથી ત્યજી દેવામાં આવ્યાં છે અથવા આ બાળકોએ કોરોનાને લીધે માતાપિતા ગુમાવ્યાં છે.

સુપ્રીમ કોર્ટે લીધેલા સુઓમોટો મામલે NCPCRએ દાખલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે બાળકો મામલે સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (3172), રાજસ્થાન (2482), હરિયાણા (2438), મધ્ય પ્રદેશ (2243), આંધ્ર પ્રદેશ (2089), કેરળ (2002), બિહાર (1634) અને ઓડિસા (1073) બાળકો અનાથ થયાં છે.

એફિડેવિટ અનુસાર મહારાષ્ટ્રમાં કુલ 7084 બાળકો પૈકી 6865 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યાં છે, જ્યારે 217 બાળકો અનાથ બન્યા છે અને બે બાળકોને ત્યજી દેવામાં આવ્યાં છે, જ્યારે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 226 બાળકો ત્યજી દેવામાં આવ્યાં છે.

આ અનાથ બાળકોમાં છોકરાઓની સંખ્યા 15,620 છે, જ્યારે 14,447 છોકરીઓ છે, જ્યારે ટ્રાન્સજેન્ડર ચાર છે. આ બાળકો પૈકી આઠથી 13 વર્ષની વયના 11,815 બાળકો છે. જ્યારે 0-3 વર્ષનાંમં 2902 બાળકો, 4-7 વર્ષનાં 5107 બાળકો, 14-15 વર્ષના 4908 બાળકો અને 16-18 વર્ષના 5339 બાળકો છે.