જમ્મુ-કશ્મીરમાં નવી ફિલ્મ નીતિની અસરઃ ૩૦૦થી વધારે ફિલ્મોનું શૂટિંગ થયું

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું છે કે વહીવટીતંત્રએ નવી ફિલ્મ નીતિ લાગુ કરી છે તે પછી પ્રદેશમાં 300થી વધારે ફિલ્મ અને ટીવી શોના શૂટિંગ કરવામાં આવ્યા છે.

નવી ટીવી સિરિયલ ‘પશ્મીના’ના શૂટિંગના પ્રથમ દિવસનું ઉદઘાટન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સિન્હાએ કહ્યું, ‘આ કેન્દ્રશાસિત પ્રદેશ ફિલ્મોનાં શૂટિંગ માટે ફેવરિટ સ્થળ તરીકે ફરી ઉભરી આવ્યું છે. અમે તમામ લાગતાવળગતાં લોકો સાથે મસલત કર્યા બાદ બે વર્ષ અગાઉ નવી ફિલ્મ નીતિ લાગુ કરી હતી. આજે એના સારાં પરિણામ જોવા મળી રહ્યાં છે. આ પ્રદેશ ફિલ્મોના શૂટિંગ માટે નિર્માતા-દિગ્દર્શકોમાં ફરીથી ફેવરિટ બની ગયું છે. ફિલ્મ સંબંધિત પ્રવૃત્તિઓથી આ પ્રદેશમાં યુવા લોકો માટે રોજગારની વધારે તકો ઉત્પન્ન કરવામાં મદદ મળશે. મને યાદ છે, 80ના દાયકા સુધી જમ્મુ અને કશ્મીરની ધરતી પર બોલીવુડ અને હોલીવુડની ઘણી ફિલ્મોના શૂટિંગ થતા હતા. હવે એ સમય પાછો ફર્યો છે. આજે સબ ટીવીએ તેની ‘પશ્મીના’ સિરિયલનું શૂટિંગ અહીં શરૂ કર્યું છે અને મારી એમને શુભેચ્છા છે.’