26 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા હોવાનો ઘટસ્ફોટ

નવી દિલ્હી: ફેસબુક યુઝર્સના ડેટા લીકનો વધુ એક મામલો સામે આવ્યો છે. હવે 26.7 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પર્સનલ માહિતી ડોર્ક વેબ પર એક અસુરક્ષિત ડેટાબેઝમાં લીક થઈ છે. સાયબર સિક્યોરિટી ફર્મ Comparitech અને રિસર્ચર બોબ ડિયાચેન્કો અનુસાર 267,140,436 ફેસબુક યૂઝર્સના આઈડી, ફોન નંબર અને સંપૂર્ણ નામ એક ડેટાબેઝમાં જોવા મળ્યા છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ડેટાબેઝમાં જે લોકોના નામ છે, તેમને સ્પામ મેસેજ કે ફિશિંગ સ્કિમ્સથી ટાર્ગેટ કરવામાં આવી શકે છે.

જોકે, હજુ સુધીએ સ્પષ્ટ નથી થયું કે, કેટલી સંવેદનશીલ માહિતી લીક થઈ છે. ડિયાચેન્કોનું અનુમાન છે કે, ફેસબુક યૂઝર્સની અંગત માહિતીને સ્ક્રેપિંગની ગેરકાયદે પ્રક્રિયા મારફતે એક્ત્ર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ઓટોમેટેડ બોટ્સ ફેસબુક પ્રોફાઈલ્સથી પબ્લિક માહિતી કોપી કરે છે અથવા તો સીધા ફેસબુકના ડેવલપર APIમાંથી માહિતી ચોરી કરી લે છે.  Comparitech વેબસાઈટના બ્લોગપોસ્ટ અનુસાર, ડેટાબેઝ ગયા સપ્તાહે એક ઓનલાઈ હેકર ફોરમ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઓનલાઈ હેકર ફોરમનો સંબંધ એક ક્રાઈમ ગ્રુપ સાથે છે.

ફેસબુકે કહ્યું કે, તે આ રિપોર્ટ અંગે તપાસ કરી રહ્યું છે, જોકે હવે ડેટાબેઝ સુધીના એક્સેસને દૂર કરી દેવાયો છે. ફેસબુક યૂઝર્સના રેકોર્ડ બે સપ્તાહ સુધી ઉપલબ્ધ હતા અને આ માહિતી મેળવવા માટે કોઈ પાસવર્ડની સિક્યોરિટી પણ રાખવામાં આવી નહતી. આ પહેલા, સપ્ટેમ્બરમાં 40 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સના ફોન નંબર લીક થયા હતા.

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ મામલે તપાસ હાથ ધરી છે પણ અમારું માનવું છે કે, આ માહિતીને અમારી તરફથી કરવામાં આવેલા ફેરફાર પહેલા જ ચોરી લેવામાં આવી છે. ડિયાચેન્કોએ ડિસેમ્બરમાં આ ડેટાબેઝની જાણકારી મેળવી હતી અને તેનો તાત્કાલિક રિપોર્ટ IP એડ્રેસ મેનેજ કરનાર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને આપ્યો હતો, કારણ કે તેને શંકા ગઈ હતી કે આ ડેટાબેઝનો સંબંધ કોઈ ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન સાથે હોઈ શકે છે.